Jamnagar Police : જામનગર શહેર-જિલ્લામાં અસામાજિક અને ગુંડા તત્વો સામે પોલીસની ચાલી રહેલી કડક કાર્યવાહીમાં રીઢા ગુનેગારોના ગેરકાયદે મિલ્કતોનું લીસ્ટ તૈયાર કરીને એસ.પી. દ્વારા હવે મેગા ડીમોલીશન માટેનો તખ્તો તૈયાર કર્યો છે અને 15થી વધુ અસામાજિક તત્વોની ગેરકાયદે મિલ્કતોનું ડીમોલીશન માટે નોટીસ ઈસ્યુ કરાતાં ગુંડા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશ બાદ જામનગર પોલીસ ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે. અસામાજિક તત્વોનું લીસ્ટ તૈયાર કરાયા બાદ વીજ તંત્રને સાથે રાખીને વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતાં. જેમાં ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા 332 સ્થળોએથી વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી અને વીજ પોલીસ મથકમાં તેની સામે ગુનાઓ નોંધાવવામાં આવ્યા છે, આ ગુંડા તત્વોને વીજ તંત્ર દ્વારા રૂ.3 કરોડથી વધુના વીજ ચોરીના બીલ ફટકારવામાં આવ્યા છે.
આ કાર્યવાહી દરમ્યાન શહેર-જિલ્લામાંથી 46 ટપોરીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા, અને એલસીબીની કચેરીએ એસપીની ઉપસ્થિતિમાં હાજર કરાયા હતાં અને તે તમામની આગવી ઢબે પુછપરછ કરવામાં આવી હતી.
એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એલસીબીના પીઆઈ વી.એમ.લગારીયા અને તેઓની સમગ્ર ટીમ તથા અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ ટુકડીને દોડતી કરાવાઈ હતી. જેના ભાગરૂપે માત્ર 24 કલાકમાં જ શહેરમાંથી કુલ 46 ટપોરીઓને ઉપાડી લઈને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ગ્રામ્ય ડિવાયએસપી રાજેન્દ્ર દેવધાની આગેવાનીમાં શહેર-જિલ્લાના 285 અસામાજિક તત્વોને આઈડેન્ટીફાઈ કરાય છે, અને તે તમામની હિસ્ટ્રી એકત્ર કરી લેવામાં આવી છે. જેમાં અમુક ગુંડા તત્વોએ સરકારી જમીનો ઉપર કે અન્ય રીતે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હોય તેવા 15થી વધુ ગુંડા તત્વોને નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે, અને તેના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે એસપીએ તખ્તો તૈયાર કરી લીધો છે, અને આગામી દિવસોમાં જ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે.