મુંબઈ તા.૧૨ : ઓકટોબરથી પ્રારંભ થતી નવી ખાંડ મોસમમાં દેશમાંથી ખાંડની નિકાસ છૂટ મળવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. નવી મોસમમાં દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક હશે જેને ધ્યાનમાં રાખી નિકાસ છૂટ અપાશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ભારત ખાતેથી ખાંડની નિકાસને કારણે તેના વૈશ્વિક ભાવ પર અસર પડે છે પરંતુ ખાંડ મિલોમાં કેશ ફલોને કારણે ખેડૂતોને તેમની શેરડી પેટેના નાણાં વેળાસર મળી રહેવાનો માર્ગ મોકળો થાય છે.
નવી મોસમમાં ખાંડની નિકાસ માટેના માર્ગ ખૂલવાની શકયતા છે એમ અન્ન અને જાહેર વિતરણ વિભાગના એક અધિકારીએ એક પરિષદમાં જણાવ્યું હતું. જો કે કેટલી માત્રામાં ખાંડ નિકાસ કરાશે તેનો તેમણે કોઈ અંદાજ આપ્યો નહતો.
વર્તમાન મહિનામાં સમાપ્ત થનારી ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમમાં સરકારે ૧૦ લાખ ટન ખાંડની નિકાસ પરવાનગી આપી હતી.
નવી મોસમમાં ઘરેલુ માગને પહોંચી વળ્યા બાદ અને ઈથેનોલના ઉત્પાદન તરફ ખાંડને વાળ્યા પછી પણ આગામી મોસમમાં નિકાસ માટે ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહેશે, કારણ કે ખાંડનું ઉત્પાદન નોંધપાત્ર ઊંચુ રહેવા અપેક્ષા છે એમ પણ અધિકારીએ ઉમેર્યુ હતું. શેરડી આધારિત કાચા માલમાંથી નવી મોસમમાં ૪.૮૦ અબજ લિટર ઈથેનોલનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
૨૦૨૫-૨૬ની મોસમમાં દેશનું ખાંડ ઉત્પાદન ૩.૪૯ કરોડ ટન રહેવા અંદાજ છે. જ્યારે વપરાશ ૨.૮૫ કરોડથી ૨.૯૦ કરોડ ટનની વચ્ચે રહેવા ધારણાં છે. વર્તમાન ખાંડ મોસમનો આ આંક ૨.૮૦ કરોડ ટન રહ્યો છે. નવી ખાંડ મોસમમાં ભારત પાસે ૫૦ લાખ ટન ખાંડનો કેરિ ફોરવર્ડ સ્ટોક હશે.