– ક્રિપ્ટો કરન્સીમાં ઉંચા વળતરની લાલચ આપી
– વોટ્સએપ મેસેજમાં આપેલી લીંક ખોલાવી ભેજાબાજોએ પૈસા ટ્રાન્સફર કરાવી લીધાઃ પૈસા ઉપાડવા જતાં એકાઉન્ટ બ્લોક કરી નાખ્યુ
બગોદરા : ધોળકા તાલુકાના યુવક સાથે ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તેણે ૧૩,૫૯,૯૦૦નું નુકસાન થયું છે. આ ઘટના અંગે ધોળકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ધોળકા તાલુકામાં રહેતા અને બાવળાની કંપનીમાં નોકરી કરતા રવિ ભરતભાઈ ત્રિવેદીના મોબાઇલ પર ૨૭/૦૮/૨૦૨૫ રોજ અજાણ્યા નંબર પરથી વાટ્સએપ મેસેજ આવ્યો હતો, જેમાં ‘મીન્ટ ક્રિપ્ટો કરન્સી’માં રોકાણ કરવાથી ૩૦થી ૪૦ ટકા નફો થશે તેવી લાલચ આપવામાં આવી હતી.
આ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતા ટેલિગ્રામ એપમાં ખુલી હતી, અને રવિભાઈએ એક એકાઉન્ટ બનાવ્યું હતું. ?આરોપીઓએ રોકાણ માટે અલગ-અલગ બેંક ખાતા, ગૂગલ પે અને ફોન પે આઈડીનો ઉપયોગ કરીને કુલ ૧૩,૫૯,૯૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
પૈસા ટ્રાન્સફર કર્યા પછી, રવિભાઈના ‘મીન્ટ ક્રિપ્ટો’ એકાઉન્ટમાં ૨૩,૬૮,૦૦૦ જમા થયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે, જ્યારે તેમણે આ પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું.
?આરોપીઓએ તેમને પૈસા પાછા મેળવવા માટે વધુ ૧,૦૦,૦૦૦ જમા કરાવવાનું કહ્યું હતું. આ ઘટના બાદ રવિભાઈને મિત્રો દ્વારા જાણ થઈ કે તેમની સાથે ઠગાઈ થઈ છે, જેથી તેમણે ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.