– પંચર પડેલા છોટાહાથી પાસે ઊભેલા ચાલકનું ઇકો કારની ટક્કરે મૃત્યુ
નડિયાદ : નડિયાદ પાસે અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પંચર પડતા રોડની સાઇડમાં ઉભેલા છોટાહાથીના ચાલકને ઇકો કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક વ્યકિતનું મોત થયું હતું.
અમદાવાદના હાથીજણ સર્કલ પાસે રહેતા રતનભાઈ જુગાભાઈ ભરવાડ ગઈકાલે બપોરના સમયે પોતાના છોટાહાથીમાં અમદાવાદ પોસ્ટ ઓફિસથી લોખંડનો સામાન ભરીને હાલોલ જીઆઈડીસી ખાતે આપવા જઈ રહ્યા હતા.
આ સમયે તેમનું વાહન નડિયાદના ફતેપુરા ગામ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પસાર થઈ રહ્યું હતું. છોટાહાથીના એક વ્હીલમાં પંચર પડતા રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું. ચાલક રતનભાઈ ભરવાડ નીચે ઉતરીને છોટાહાથી પાસે જ ઊભા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતી એક ઇકો ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી.
રતનભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ વડતાલ પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.