Silvassa News: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસના નરોલી ગામે આવેલી જમીનમાં રેતીના ઢગલામાંથી નવ વર્ષીય માસૂમ બાળકની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ અને લોકોએ ગઇકાલે મંગળવારે રાત્રે ગુમ થનાર બાળકની શોધખોળ આદરી હતી. જો કે રેતીના ઢગ પર 15 ફૂટ ઊંચાઇએ ઘરના પાળેલા શ્વાને રેતી ખોદતા જ બાળકની લાશ મળી આવી હતી. પોલીસે લાશને પી.એમ. માટે મોકલી દીધી હતી. રિપોર્ટ બાદ જ પોલીસ ગુનો દાખલ કરશે. પરંતુ બાળકની હત્યા કરાયાની શંકા વ્યક્ત કરાઇ છે.
પોલીસ અને પ્રાપ્ત માહિતી અનુસાર, સેલવાસના નરોલી ગામે કાર્ડ ફળિયામાં વિગ્નેશ પટેલ પરિવાર સાથે રહે છે. ગઇકાલે મંગળવારે વિગ્નેશનો નવ વર્ષીય પુત્ર ભાવિક પટેલ ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયો હતો. માસૂમ ભાવિક ગુમ થતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. પોલીસને પણ આ મામલે જાણ કરાઈ હતી. બાદ પોલીસ અને લોકો દ્વારા નરોલી વિસ્તારમા શોધખોળ આદરી હતી.
શોધખોળ દરમિયાન રાત્રે ફળિયામાં આવેલી પ્રદીપ ઉર્ફે હિતેશ રાઠોડની જમીનમાં સંગ્રહ કરાયેલી રેતીના ઢગ તથા આસપાસમાં શોધખોળ આદરી હતી. જે દરમિયાન ઘરના પાળેલા શ્વાને પગથી રેતી ખસેડતા જ ભાવિકની ટી શર્ટ દેખાય હતી. બાદમાં રેતીના ઢગલામાંથી ભાવિકની લાશ બહાર કાઢી વિનોબાભાવે હોસ્પિટલમાં પી.એમ.માટે મોકલી દીધી હતી.
ભાવિકની રેતીના ઢગમાંથી ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે હાલ આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની ટીમે તપાસ આદરી છે. જો કે પોલીસ પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ ગુનો દાખલ કરશે. મોતનું ચોક્કસ કારણ પણ બહાર આવ્યું નથી. પરંતુ બાળકની હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરાઇ છે.