વડોદરા, તા.15 વરણામા હાઇવે પર ત્રણ ટ્રક અથડાતા એક ટ્રકની કેબિનમાં ફસાઇ ગયેલા ચાલકનું કરૃણ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં નગલાહર ખાતે રહેતો અજય લાલસિંહ યાદવ (ઉ.વ.૪૫) પોતાની ટ્રક લઇને દમણ તરફ જતો હતો. ગઇ રાત્રે તે વડોદરા પસાર કરી ભરૃચ તરફ જતો હતો ત્યારે વરણામા પાસે રોડ પર ઊભેલી એક ટ્રકના કારણે પોતાની ટ્રકને બ્રેક મારતા જ પાછળથી પૂરઝડપે આવતી અન્ય ટ્રકે અજયની ટ્રકને ટક્કર મારતા તે આગળ ઊભેલી ટ્રક સાથે અથડાતા કેબિનમાં અજયનું દબાઇ જતા કરૃણ મોત નિપજ્યું હતું.
અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો જ્યારે કેબિનમાંથી બહાર કાઢીને ડ્રાઇવર અજયના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે મૃતકના નાના ભાઇએ અકસ્માત કરનાર ટ્રકચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.