– બિનમુસ્લિમ વકફમાં દખલ નહીં દે, માત્ર કાયદાના અમલ અને ફંડના યોગ્ય વિતરણ પર ધ્યાન આપશે : ગૃહમંત્રી
– વકફનો રિપોર્ટ, બેલેન્સ શીટ જમા થશે, નિવૃત્ત કેગ દ્વારા ઓડિટ કરાશે, કાઉન્સિલનો નિર્ણય કોર્ટમાં પડકારી શકાશે જેથી પારદર્શિતા વધશે : ગૃહમંત્રી
– વકફમાં બિનમુસ્લિમોને લઇ રહ્યા છો, શું હિન્દુઓના ધાર્મિક ટ્રસ્ટોમાં મુસ્લિમોનો સમાવેશ કરશો : કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલ
– વકફના નામે જમીનની ચોરી નહીં થવા દઇએ : અમિત શાહ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વકફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજુ કર્યું હતું, જેના પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ધારદાર દલીલો થઇ હતી. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને આ બિલનો વિરોધ કર્યો હતો જ્યારે એનડીએના પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું. બિલને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ દ્વારા રજુ કરાયું હતું, જેના પર બપોરથી રાતના ૧૨.૦૦ વાગ્યા સુધી ચર્ચા થઇ હતી. ચર્ચાના અંતે આ બિલ લોકસભામાં પસાર થયું હતું અને તેને ગુરૂવારે રાજ્યસભામાં રજૂ કરાય તેવી પૂરી શક્યતા છે.ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિલનો બચાવ કરતા એક સ્પષ્ટતા કરી હતી, તેમણે કહ્યું હતું કે હું દેશના મુસ્લિમોને જણાવવા માગુ છું કે એક પણ બિનમુસ્લિમને તમારા વકફમાં સામેલ નહીં કરવામાં આવે. મુસ્લિમોના ધાર્મિક મામલામાં દખલ દેવામાં આવી રહી હોવાના દાવા કરીને મુસ્લિમોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
બિલના બચાવમાં અમિત શાહે કહ્યું હતું કે વકફના નામે હજારો એકર જમીન ચોરોને આપી દેવાઇ, વકફના નામે થતી આ ચોરીને અટકાવવા માટે એક મજબૂત કાયદાની જરૂર હતી. એક સૌથી મોટી ચર્ચા એ ચલાવાઇ રહી છે કે બિનમુસ્લિમને વકફમાં સામેલ કરવામાં આવશે, આ મુદ્દે સ્પષ્ટતા કરવા માગુ છું કે બિનમુસ્લિમને વકફમાં સામેલ નહીં કરાય, જે પણ લોકો ધાર્મિક સંસ્થાઓનો વહીવટ સંભાળે છે તેમાં કોઇ જ બિનમુસ્લિમ નહીં હોય. જે પણ બિનમુસ્લિમ હશે તે માત્ર વકફ કાયદો અને દાન માટે અપાયેલા ફંડનો યોગ્ય રીતે અમલ થઇ રહ્યો છે કે કેમ તે જ જોશે. બિનમુસ્લિમ એ જ જોશે કે ખરેખર કાયદા મુજબ વહીવટ ચાલી રહ્યો છે કે નહીં. ગરીબોના વિકાસ માટે ફંડનો બરાબર ઉપયોગ થઇ રહ્યો છે કે કેમ તેના પર નજર રાખશે.
અમિત શાહે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે કોર્ટના ન્યાયિક અધિકારો બહાર જેમની જમીન લઇ લેવામાં આવી છે તેમની કોઇએ ચિંતા નથી કરી. કોઇ સરકાર કે સંસ્થાનો નિર્ણય કોર્ટની મર્યાદા બહારનો કેવી રીતે હોઇ શકે? જેની જમીન લઇ લેવામાં આવી છે તે ક્યાં જશે? હવે તેમને આ અધિકાર આપવામાં આવ્યો છે કે જે કોર્ટમાં પણ અપીલ કરી શકશે. રિપોર્ટ જમા કરાશે, બેલેન્સ શીટ જમા થશે, નિવૃત્ત કેગ દ્વારા સમગ્ર ઓડિટ કરવામાં આવશે. આ પારદર્શીતાથી કોઇએ દૂર કેમ ભાગવુ પડે? વકફ બોર્ડ કે કાઉન્સિલનો કોઇ પણ નિર્ણય કોર્ટમાં પડકારી શકાશે. જો આ કાયદામાં ૨૦૧૩માં જ સુધારો કરી નાખ્યો હોત તો હાલ અમારે સુધારા ના કરવા પડયા હોત.
ગૃહ મંત્રીએ કહ્યું હતું કે એક સાંસદ કહી રહ્યા છે કે અમે વકફ કાયદામાં આ સુધારાનો સ્વીકાર નહીં કરીએ, તેમને જણાવવા માગુ છું કે આ સંસદનો કાયદો છે તેને દરેક નાગરિકે સ્વીકારવો જ પડે. અમે વકફ સાથે કોઇ જ છેડછાડ નથી કરી, વકફ બોર્ડ અને વકફ પરિષદ માટે આ સંશોધન કર્યું છે. આ બન્નેની ફંક્શનિંગ પ્રશાસનિક છે, વકફ બોર્ડને ધર્મ સાથે જોડવામાં ના આવે. અમે મુતવલ્લીને નથી સ્પર્શી રહ્યા. જ્યારે ભાજપના સાંસદ સંબિત પાત્રાએ દાવો કર્યો હતો કે વકફની જમીનને લઇને પડતર અરજીઓની સંખ્યા અનેકગણી વધી ગઇ છે ને તેમાં તમામ અરજદારો મુસ્લિમો છે, એટલે કે મુસ્લિમોએ જ વકફના વહીવટ પર સવાલો ઉઠાવ્યા છે. નવા કાયદાથી આવા પીડિત મુસ્લિમોને ન્યાય મળશે.
જ્યારે બિલનો વિરોધ કરતા કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે સરકાર વકફ બોર્ડમાં બિન મુસ્લિમોને લઇને આવી રહી છે, કોઇ પણ અન્ય ધર્મના ટ્રસ્ટોમાં મુસ્લિમોને સામેલ નથી કરાતા, વૈષ્ણોદેવી મંદિર કાયદામાં પણ આવી જોગવાઇ છે, કોઇ પણ મંદિરમાં મુસ્લિમ કે ખ્રિસ્તીને વોટિંગનો અધિકાર નથી. સમાનતાના કાયદાનું વકફ બિલમાં ઉલ્લંઘન કરાયું છે, આજે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી રહ્યા છો કાલે ખ્રિસ્તી અને પછી શીખોને ટાર્ગેટ કરશો.
સંઘ પરિવારનો સ્પષ્ટ એજન્ડા છે કે લઘુમતીઓને ખતમ કરી નાખો. પુરુ વિશ્વ તમારી તરફ જોઇ રહ્યું છે. તમે સૌથી મોટા લોકશાહીવાળા દેશનું નેતૃત્વ કરી રહ્યા છો. લોકસભામાં આ બિલ પર ચર્ચા આખો દિવસ ઉપરાંત રાત્રે મોડા સુધી ચાલી હતી. આ બિલને એનડીએના સાથી પક્ષો જદયુ, ટીડીપી વગેરેનું સમર્થન મળ્યું હતું જ્યારે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષોએ બિલનો વિરોધ કર્યો હતો. હવે આ બિલને રાજ્યસભામાં રજુ કરવામાં આવશે, રાજ્યસભામાં મંજૂરી મળી ગયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે, રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ બિલ કાયદામાં ફેરવાઇ જશે અને તેનો દેશભરમાં અમલ કરવા માટે સરકાર દ્વારા બાદમાં નોટિફિકેશન બહાર પડાશે જેમાં થોડો સમય લાગી શકે છે.
મોદી 75 વર્ષ પછી એક્સટેન્શન માટે નાગપુર ગયા હતા ! : અખિલેશનો કટાક્ષ
નવી દિલ્હી: લોકસભામાં વક્ફ એક્ટમાં સુધારા અંગેના બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નાગપુરમાં આવેલા હેડક્વાર્ટરની મુલાકાત અંગે કટાક્ષ કર્યો હતો. અખિલેશે મોદીનું નામ લીધા વિના સવાલ કર્યો હતો કે, હમણાં જે યાત્રા કરાઈ એ ૭૫ વર્ષની ઉંમર થઈ ગયા પછી એક્સટેન્શન મેળવવા માટે તો નહોતી કરાઈ ? ભાજપમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના દિગ્ગજ નેતાઓને ૭૫ વર્ષ થઈ ગયાં છે એ નિયમ બતાવીને સાઈડલાઈ કરી દેવાયા છે. મોદીને સપ્ટેમ્બરમાં ૭૫ વર્ષ પૂરાં થઈ જશે પણ મોદી સત્તા છોડવા નથી માગતા તેથી સંઘના શરણે ગયા હોવાનો કટાક્ષ અખિલેશે કર્યો હતો. આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અખિલેશ યાદવ વચ્ચે ટક્કર થઈ હતી. વક્ફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન યાદવે કહ્યું કે ભાજપ આંતરિક ઝઘડાનો સામનો કરી રહ્યું છે કારણ કે નેતાઓ સૌથી ખરાબ હિન્દુ કોણ છે તે સાબિત કરવા માટે હોડ કરી રહી છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી પાર્ટી તેના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કરી શકી નથી તેના પરથી આ વાત સ્પષ્ટ છે તેમ અખિલેશે કહ્યું હતું. અખિલેશના કટાક્ષનો જવાબ આપતાં શાહે કહ્યું કે, અખિલેશજીએ સ્મિત સાથે કંઈક કહ્યું છે તેથી હું સ્મિત સાથે જવાબ આપીશ. શાહે વિપક્ષી સાંસદો તરફ ઈશારો કરીને કહ્યું, આ તમામ પક્ષોએ પરિવારના પાંચ લોકોમાંથી તેમના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કરવાની હોય છે જ્યારે અમારે એક પ્રક્રિયાનું પાલન કરવું પડે છે અને ૧૨-૧૩ કરોડ સભ્યોમાંથી પ્રમુખની પસંદગી કરવી પડે છે તેથી તેમાં સમય લાગે છે. શાહે અખિલેશ પર કટાક્ષ કરતાં કહ્યું કે, હું તમને કહું છું કે, તમે ૨૫ વર્ષ સુધી પાર્ટીના પ્રમુખ રહેશો અને તમને કોઈ બદલી નહીં શકે.
વક્ફ એક્ટની મુખ્ય જોગવાઈઓ કઈ ?
– વક્ફ એક્ટ (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૫નો ઉદ્દેશ્ય વકફ એક્ટ, ૧૯૯૫માં ફેરફારો કરવાનો છે. તેમાં સૌથી પહેલો ફેરફાર એક્ટનું નામ બદલીને યુનિફાઇડ વકફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી અને ડેવલપમેન્ટ એક્ટ, ૧૯૯૫ કરાયું છે.
– વકફ ટ્રિબ્યુનલમાં બે સભ્યોના બદલે ત્રણ સભ્યો હશે. સુધારેલા માળખા હેઠળ, દરેક ટ્રિબ્યુનલમાં એક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, રાજ્ય સરકારના સંયુક્ત સચિવ સ્તરના અધિકારી અને મુસ્લિમ કાયદા અને ન્યાયશાસ્ત્રના નિષ્ણાતનો સમાવેશ થશે.
– કાયદો લાગુ થયાના છ મહિનાની અંદર વકફ મિલકતો સંબંધિત બધી માહિતી નિયુક્ત પોર્ટલ પર અપલોડ કરવી આવશ્યક છે. કોઈપણ નવી વકફ મિલકત નોંધણી ફક્ત આ પોર્ટલ દ્વારા સંબંધિત વકફ બોર્ડને સબમિટ કરવી આવશ્યક છે.
– ટ્રિબ્યુનલનો આદેશ મળ્યાના ૯૦ દિવસની અંદર પીડિત પક્ષો સંબંધિત હાઇકોર્ટમાં સીધી અપીલ શકશે.
– કેન્દ્રીય અને રાજ્ય વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. બોર્ડમાં ઓછામાં ઓછા બિન મુસ્લિમ સભ્યો હશે. અલબત્ત ધાર્મિક બાબતોમાં દખલ કરતી સમિતિમાં બિન-મુસ્લિમો નહીં હોય. બિન-મુસ્લિમો ફક્ત વકફ કાયદા હેઠળ દાનમાં આપવામાં આવેલી મિલકતના વહીવટનું ધ્યાન રાખશે. મિલકતનો ઉપયોગ જે હેતુ માટે દાનમાં અપાઈ હતી તેના માટે થઈ રહ્યો છે કે નહીં, વહીવટ કાયદા મુજબ થઈ રહ્યો છે કે નહીં તેના પર બિન મુસ્લિમો નજર રાખશે.
– વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સીઈઓને નિમી શકાશે. રાજ્ય સરકારોએ વકફ બોર્ડમાં ઓછામાં ઓછા બે બિન-મુસ્લિમ સભ્યોની નિમણૂક કરવી પડશે. રાજ્ય સરકારનો વકફ બોર્ડનો ભાગ હોય એવો અધિકારી વકફ બાબતો સાથે વ્યવહાર કરનાર સંયુક્ત સચિવ સ્તરનો અધિકારી હોવો જોઈએ.
– વક્ફ એક્ટ (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૫ મુજબ, ટ્રસ્ટો પર સંપૂર્ણ નિયંત્રણ સુનિશ્ચિત કરીને કોઈપણ કાયદા હેઠળ મુસ્લિમો દ્વારા બનાવવામાં આવેલા ટ્રસ્ટોને વકફ ગણવામાં આવશે નહીં.
– નવા બિલ મુજબ, ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઈસ્લામ ધર્મનું પાલન કરી રહ્યા હોય એવા માત્ર મુસ્લિમો તેમની મિલકત વકફને સમર્પિત કરી શકશે. ૨૦૧૩ પહેલાં આ જ નિયમ હતો ને તેને પુનઃસ્થાપિત કરાયો છે
– સેન્ટ્રલ વકફ કાઉન્સિલ, રાજ્ય વકફ બોર્ડ અને વકફ ટ્રિબ્યુનલ જેવી સંસ્થાઓમાં મુસ્લિમ મહિલાઓને પણ સમાવાશે.
– વકફ બોર્ડમાં કેન્દ્રને ત્રણ સાંસદોની નિમણૂક કરવાની સત્તા હશે. આ ત્રણમાંથી બે સાંસદ લોકસભામાંથી અને એક રાજ્યસભામાંથી હશે. આ સાંસદ મુસ્લિમ હોય એ જરૂરી નથી.
– સુધારેલા બિલ હેઠળ કેન્દ્ર સરકારને વકફના હિસાબોની નોંધણી, પ્રકાશન અને વકફ બોર્ડની કાર્યવાહીના પ્રકાશન અંગેના નિયમો બનાવવાની સત્તા મળશે.
– કેન્દ્ર સરકારને કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (ભછય્) અથવા નિયુક્ત અધિકારી દ્વારા વકફના હિસાબોનું ઓડિટ કરાવવાનો આદેશ આપવાની સત્તા મળશે.
– કલેક્ટર રેન્કથી ઉપરના અધિકારી વકફ તરીકે દાવો કરાયેલી સરકારી મિલકતોની તપાસ કરશે. વિવાદના કિસ્સામાં, વરિષ્ઠ સરકારી અધિકારી મિલકત વકફની છે કે સરકારની છે તે અંગે અંતિમ નિર્ણય લેશે. હાલમાં વકફ ટ્રિબ્યુનલ્સ દ્વારા સંપત્તિ કોની છે એ નક્કી કરવામાં આવે છે.
હું રામજીનો વંશજ છું, મને રામ મંદિર ટ્રસ્ટમાં સામેલ કરશો ? : કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના સહારનપુરના કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે વકફ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે સરકાર મુસ્લિમોને સૌગાત-એ-મોદીમાં જો કઇ આપવા માગતી હોય તો આ બિલ આપી દે, બાબા સાહેબે બંધારણમાં આપણા અધિકારોના રક્ષણનું કામ કર્યું છે. વકફ બિલ લાવીને સરકાર આ અધિકારો છીનવી રહી છે. બિલની ડ્રાફ્ટિંગ કમિટીમાં એક પણ મુસ્લિમને સામેલ નહોતો કરાયો, વકફની અનેક સંપત્તિ પર સરકારે પોતાનો દાવો કર્યો છે, આ બિલના અમલ બાદ વકફ આવી સંપત્તિ પર પોતાનો દાવો નહીં કરી શકે. વકફ બોર્ડમાં ૨૨માંથી ૧૦ મુસ્લિમ હશે, આ બરાબર છે પરંતુ ૧૨ સભ્ય બિનમુસ્લિમ થઇ જશે. પુરી બહુમત બિનમુસ્લિમ હશે. બીજા ધર્મના ટ્રસ્ટોમાં અન્ય ધર્મના લોકોને સામેલ કરવાની અનુમતી આપશો? કાશી વિશ્વનાથ ટ્રસ્ટના અધ્યક્ષ જિલ્લા અધિકારી હોય છે પરંતુ તેમાં લખેલુ છે કે આ જિલ્લા અધિકારી બિનહિન્દુ હશે તો તેની નીચેના અધિકારીને અધ્યક્ષ ગણવામાં આવશે. હું પણ રામજીનો વંશજ છું, મને રામ મંદિર ટ્રસ્ટમાં સામેલ કરો, કોઇ કહી દે કે હું રામજીનો વંશજ નથી, હું આ વાતને સાબિત કરવા માટે પણ તૈયાર છું.
જેડીયુનો કટાક્ષઃ મોદીનો ચહેરો ના ગમતો હોય તો ના જુઓ…
જેડીયુના સાંસદ અને કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે વક્ફ એક્ટમાં સુધારાને ટેકો આપતાં કહ્યું કે, આ બિલ મુસ્લિમ વિરોધી છે એવો માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પણ આ બિલ કોઈપણ રીતે મુસ્લિમ વિરોધી નથી. વક્ફ મુસ્લિમ સંસ્થા છે નથી કે વકફ કોઈ ધાર્મિક સંસ્થા પણ નથી, વકફ એક ટ્રસ્ટ છે જે મુસ્લિમોના કલ્યાણ માટે કામ કરે છે. આ ટ્રસ્ટને તમામ વર્ગના લોકો સાથે ન્યાય કરવાનો અધિકાર હોવો જોઈએ પણ અત્યારે એવું થઈ રહ્યું નથી. વક્ફ એક નિયમનકારી અને વહીવટી સંસ્થા છે જે મુસ્લિમોના અધિકારો માટે કામ કરવી જોઈએ પણ એવું અત્યારે નથી થતું તેથી તેને સુધારવાનો આ પ્રયાસ છે. સિંહે કહ્યું કે, તમે મોદીજીને ગાળો દેતા હો કે તમને તેમનો ચહેરો પસંદ ના હોય તો તેમની તરફ ન જુઓ પણ મુસ્લિમોનાં હિતોને નુકસાન ના કરો. આ બિલ દ્વારા કોંગ્રેસે ૨૦૧૩માં કરેલા પાપને ખતમ કરીને પારદર્શિતા લાવવાનું કામ થઈ રહ્યું છે. દેશના લોકો મોદીજીને પસંદ કરે છે કેમ કે મોદીજી સમાજના દરેક વર્ગ માટે કામ કરે છે. આજે મોદીજીએ વકફને તમારી ચુંગાલમાંથી બહાર કાઢીને સામાન્ય મુસલમાનોના કલ્યાણ માટે કામ કરવાનો રસ્તો ખોલી નાંખ્યો છે.
– ઠાકુરે ખડગે 400 કરોડના ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો
ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે મંદિરોના નાણાંના ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આક્ષેપ કરતાં હોબાળો મચી ગયો હતો. ઠાકુરે, કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેેસની સરકાર છે. કર્ણાટકના મંદિરો વાર્ષિક ૪૫૦ કરોડ રૂપિયા એકઠા કરે છે. આ રકમ ક્યાં ખર્ચાય છે અને તેના માટે કોઈ જવાબ આપે છે? તમારે એક-એક રૂપિયાનો હિસાબ આપવો જોઈતો હતો.
ઠાકુરે સવાલ કર્યો કે, શું તમે કોઈ મસ્જિદમાંથી પૈસા લીધા છે? તમે કોઈ વક્ફ બોર્ડ પાસેથી પૈસા લીધા છે? કર્ણાટકમાં થયેલા કૌભાંડોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ પણ લેવાય છે.
અનુરાગ ઠાકુરે ખડગેનું નામ લેતા જ ગૃહમાં હોબાળો શરૂ થઈ ગયો હતો.
સરકાર ધાર્મિક સ્થળો પર કબજો કરીને ઉદ્યોગપતિઓને આપી દેવા માગે છે : શિવસેના (ઉદ્ધવ)
નવી દિલ્હી: પંજાબના ભટિંડાના સાંસદ અને અકાળી દળના નેતા હરસિમરત કૌર બાદલે કહ્યું હતું કે જે પક્ષમાં ત્રણ ટર્મથી એક પણ મુસ્લિમ સાંસદ નથી, એક પણ મુસ્લિમ મહિલા સાંસદ નથી, જે પક્ષ મુસ્લિમ વિરોધી રાજકારણ કરતો આવ્યો છે તેને વળી શું ઇદનો ચાંદ દેખાઇ ગયો? વકફની સૌથી વધુ ૨૭ ટકા જમીન ઉત્તર પ્રદેશમાં છે, આ જમીન પર સરકાર કબજો કરવા માગે છે. શીખો માટે પણ બિલ લઇને આવો, અમને અમારી અલગ ઓળખ આપી દો, તમે લઘુમતીઓના ટૂકડા કરવા માગો છો, ટુકડે ટુકડે ગેંગ તો તમે છો. તમે હિન્દુઓને ડરાવીને રાજકારણ ખેલવા માગો છો.
વકફ બિલનો વિરોધ કરતા શિવસેના (ઉદ્ધવ)ના સાંસદ અરવિંદ ગણપત સાવંતે કહ્યું હતું કે વકફ બોર્ડમાં મહિલા મુસ્લિમને સામેલ કરવાના સરકારના દાવા જુઠા છે, અગાઉથી જ મહિલા માટે બોર્ડમાં અનામત છે. બોર્ડમાં મુસ્લિમો લઘુમતીમાં આવી જશે, ડર લાગી રહ્યો છે કે કાલે ઉઠીને તમે લોકો હિન્દુઓના મંદિરોમાં પણ બિનહિન્દુને સામેલ તો નહીં કરી દો ને, કાલે ઉઠીને તમે શીખોના ગુરુદ્વારા, ખ્રિસ્તીઓના ચર્ચમાં પણ આવુ કરી શકો છો. હિન્દુઓના દેવ સ્થાનોની જમીન વેચાઇ રહી છે, આ જમીન હડપીને માનિતા ઉદ્યોગપતિઓને આપવા માગો છો.