– સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 22 સ્ટેશન પર ઉભી રહેશે
– દર શુક્રવારે બપોરે 1-50 કલાકે ભાવનગરથી, દર શનિવારે શકૂર બસ્તીથી બપોરે 1-15 કલાકે ટ્રેનનું પ્રસ્થાન થશે
ભાવનગર : ભાવનગરથી શકૂર બસ્તી સ્ટેશન વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો રેલવેએ નિર્ણય કર્યો છે. આ ટ્રેન ભાવનગરથી દર શુક્રવારે બપોરે ૧-૫૦ કલાકે અને શકૂર બસ્તીથી દર શનિવારે બપોરે ૧-૧૫ કલાકે પ્રસ્થાન કરશે.
મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળથી વધુ એક ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આગામી તા.૧૯-૯થી ભાવનગરથી શકૂર બસ્તી વચ્ચે વિશેષ ભાડા સાથે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવાનું શરૂ કરાશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર શુક્રવારે બપોરે ૧-૫૦ કલાકે ઉપડી બીજા દિવસે શનિવારે સવારે ૧૦-૩૫ કલાકે શકૂર બસ્તી પહોંચશે. ત્યાંથી દર શનિવારે બપોરે ૧-૧૫ કલાકે પ્રસ્થાન કરી બીજા દિવસે રવિવારે ૧૦-૪૫ કલાકે ભાવનગર પહોંચશે. બન્ને દિશામાં આ ટ્રેન ૨૨ સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેનની ટિકિટનું બુકિંગ તા.૧૬-૯ને મંગળવારથી યાત્રી આરક્ષણ કેન્દ્ર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે તેમ વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.
બન્ને દિશામાં આ સ્ટેશન પર ટ્રેનનો હોલ્ટ અપાયો
ભાવનગર-શકૂર બસ્તી-ભાવનગર ટ્રેનનો બન્ને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર (જં), આબુરોડ, મારવાડ (જં), બ્યાવર, અજમેર (જં), કિશનગઢ, જયપુર (જં), ગાંધીનગર જયપુર, દૌસા (જં), બાંદીકુઈ (જં), અલવર (જં), રેવાડી (જં), ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવ્યો છે.