Vapi News: વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન નજીક એક સનસનાટીભરી ઘટનામાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. એક યુવકે પોતાના જ મિત્ર અને તેની ગર્લફ્રેન્ડ પર જીવલેણ હુમલો કર્યો, જેમાં મિત્રનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. હુમલાખોર યુવકને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને સોંપી દીધો છે.
પ્રાથમિક માહિતી મુજબ ત્રણેય યુવક-યુવતી વચ્ચે કોઈ બાબતને લઇને ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ ઝપાઝપી શરૂ થઈ. આ ઝપાઝપી દરમિયાન હુમલાખોર યુવકે તિક્ષ્ણ હથિયાર કાઢીને બંને પર હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે યુવતી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
આસપાસના લોકોએ હત્યાની ઘટના જોતા તાત્કાલિક દોડી આવ્યા અને હુમલાખોર યુવકને પકડી પાડ્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હુમલો કરનારા યુવકને પણ ઈજા થઈ હોવાથી તેને પોલીસ સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના પ્રેમ પ્રકરણના કારણે બની છે. હુમલાખોર યુવક મૃતકનો મિત્ર હતો અને તે યુવતીને પણ ઓળખતો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.