Vadodara : વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટરનું ભૂતે ફરી એક વખત ધુણવાનુ શરૂ કર્યું છે. પશ્ચિમ વિસ્તારમાં અકોટા ખાતે આવેલી મહાત્મા ગાંધી હાઈટ્સ સોસાયટીમાં 155 જેટલા પરિવારો પૈકી અડધાથી ઓછા લોકોને ઘરે સ્માર્ટ મીટર લાગી જતા વીજ બિલમાં અનેક વિરોધાભાસ હોવાના કારણે રોષે ભરાયેલા સોસાયટીના તમામ લોકોએ રેસકોર્સ ખાતે આવેલી વીજ નિગમની વડી કચેરીએ હલ્લાબોલ સાથે ભારે સૂત્રોચાર કાર્યક્રમ કરીને જૂના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજ મીટર પરત લગાવી દેવાની મુખ્ય માંગ સાથે શિવસેનાના નેજા હેઠળ વિભાગીય ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અકોટા વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી હાઈટ્સ સોસાયટીમાં 155 જેટલા પરિવારો રહે છે. જે પૈકી અડધાથી ઓછા મકાનોમાં છ માસ અગાઉ સ્માર્ટ વીજ મીટર લગાડીને જુના કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર કાઢી લેવામાં આવ્યા હતા. આ અંગે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો ત્યારે તેમને સમજાવવામાં આવ્યા હતા કે આગામી એકાદ વર્ષમાં સમગ્ર શહેરમાં સ્માર્ટ વીજ મીટર લગાવી દેવામાં આવશે પરંતુ હજી સુધી આ કાર્યવાહી પૂર્ણ થઈ નથી.
જ્યારે બીજી બાજુ અગાઉના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજબિલ નિયત તારીખે બે મહિને બિલ મળતા હતા. પરંતુ હવે આ બાબતે પ્રત્યેક મહિને કોઈપણ તારીખે બિલ બજવણી કરવામાં આવે છે. અગાઉ વીજબિલના નાણાં ભર્યા હોવા છતાં પણ બીજા મહિને આવતા બિલમાં આગળના મહિનાનું બિલ ઉમેરાઈને આવે છે. આવી રીતે બિલની રકમ સુધારવા માટે વીજ કચેરીએ ધક્કા ખાવા પડે છે. કોમ્પ્યુટરાઈઝ્ડ વીજબીલ દર બે મહિને આવતું હતું પરંતુ સ્માર્ટ વીજ દર મહિને આવે છે. અગાઉ કરાયેલા વાયદા મુજબ આગામી એક વર્ષમાં સમગ્ર શહેરમાં સ્માર્ટ વીજ મીટર લાગી જવા કહેવાયું હતું આમ છતાં પણ હજી અન્ય કોઈ વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર નહિ લાગ્યા હોવાનું શિવસેનાના નેજા હેઠળ મહાત્મા ગાંધી હાઇટ્સના પ્રમુખ ચેતન કલંબેએ જણાવ્યું હતું.
આવી જ રીતે પ્રતિ બે મહિને કોમ્પ્યુટરાઈઝ્ડ મીટરથી આવતા બિલની રકમ હવે સ્માર્ટ વીજ મીટરમાં દર મહિને આવે છે. આમ જુના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજ બીલથી ડબલ વીજબીલથી મહાત્મા ગાંધી હાઈટ્સના સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પરિણામે શિવસેનાના નેજા હેઠળ સોસાયટીના પ્રમુખ ચેતન કલંબેના નેજા હેઠળ 155 જેટલા એકત્ર થયેલા પરિવારોએ રેસકોર્સ ખાતે આવેલી વીજ નિગમ કચેરીએ હલ્લાબોલ સહિત ભારે સૂત્રોચાર કરીને જુના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજ મીટર પુન: લગાવીને નવા સ્માર્ટ મીટર કાઢી જવા બાબતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.