Jamnagar Crime : જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ગઈકાલે બપોરે રસોઈ કામ કરવા આવેલી એક મહિલા ઉપર ઘર માલિકે છરી વડે હુમલો કરી દઈ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે બનાવમાં બંને ઇજાગ્રસ્ત સારવાર હેઠળ છે, જયારે ઇજાગ્રસ્ત મહિલાના પતિની ફરિયાદના આધારે પોલીસે ઘરમાલિક સામે ગુન્હો નોંધ્યો છે. આ હુમલાના બનાવે જામનગર શહેરમાં ભારે રહસ્ય સર્જયું છે.
આ હુમલાના બનાવી વિગત એવી છે કે જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં આદિત્ય પાર્કમાં રહેતી ભાવનાબેન ભાવેશભાઈ ચૌહાણ નામની 40 વર્ષની મહિલા કે જે છેલ્લા આઠેક વર્ષથી જામનગરના પટેલ કોલોની શેરી નંબર-4 માં રહેતા મુકેશભાઈ ત્રિભુવનભાઈ અગ્રાવતના મકાનમાં રસોઈ કામ કરવા જાય છે, જ્યાં ગઈકાલે બપોરે લોહીયાળ જંગ ખેલાયો હતો.
ભાવનાબેન કે જે ઘણા દિવસથી રજા ઉપર હતી, પરંતુ ગઈકાલે પોતાનો જન્મદિવસ હતો, અને ફરીથી રસોઈ કામ કરવા માટે નોકરી પર ગઈ હતી, જયાં બપોરના સમયે ભાવનાબેન અને ઘર માલિક મુકેશભાઈ વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ મુકેશ અગ્રાવતે પોતાના ઘરમાંથી છરી લઈને ભાવનાબેનના ગળા પર તેમજ પીઠના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. તેથી લોહી લુહાણ બનેલી ભાવનાબેન ઘરની બહાર નીકળી ગઈ હતી. પરંતુ ઇજાગ્રસ્ત હોવાના કારણે બેશુદ્ધ બનીને માર્ગ પર ઢળી પડી હતી.
દરમિયાન મુકેશ અગ્રાવતે પણ પોતાને છાતીના ભાગે તથા અન્ય ભાગોમાં છરી વડે હુમલો કરી દઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોતે પણ લોહી લુહાણ બન્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા, અને 108 નંબર એમ્બ્યુલન્સને બોલાવી લઈ બંનેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જયાં ભાવનાબેનની હાલત નાજુક ગણાવાઇ રહી છે. જ્યારે ઘરમાલીક મુકેશ અગ્રાવત પણ હાલ સારવાર હેઠળ છે.
સમગ્ર ઘટનામાં રસોઈ કામ કરવા માટે આવેલી મહિલા ભાવનાબેનના પતિ ભાવેશ અશોકભાઈ ચૌહાણ કે જે રીક્ષા ચલાવે છે, જેણે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની પત્ની ભાવનાબેન પર છરી વડે મારી નાખવાના ઇરાદે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે મુકેશ ત્રિભુવનભાઈ અગ્રાવત સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સિટી બી. ડિવિઝનના પી.આઇ. પી.પી.ઝા અને તેઓની ટીમ તપાસ ચલાવી રહ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર લાંબી રજા બાદ ગઈકાલે ભાવનાબેન કામ પર જતાં તેની સાથે બોલાચાલી થયા પછી આ હિચકારો હુમલો કરી દીધાનું જાહેર કરાયું છે. જ્યારે પોલીસ દ્વારા સમગ્ર બનાવમાં ઊંડાણ પૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે. અને ઇજાગ્રસ્ત આરોપી ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે.