Vadodara Corporation : વડોદરા શહે૨માં યોજવામાં આવતા ગરબા મહોત્સવમાં ખાણીપીણી માટે ટેમ્પરરી ફુડ સ્ટોલ ઉભા કરતા ધંધાર્થીઓને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ તાત્કાલિક લાઈસન્સ અને ૨જિસ્ટ્રેશન મેળવી લેવા કહ્યું છે. આના વિના તેઓ ધંધો નહીં કરી શકે. આ સંદર્ભે ગરબા આયોજકોને પણ સૂચના આપવામાં આવી છે.
જો ચેકિંગ દરમિયાન લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વિના ધંધો કરતા કોઈ જણાશે તો સ્ટોલધારક તેમજ ગરબા આયોજકની સામે કુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ કાર્યવાહી ક૨વામાં આવશે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જઈ ન્યુ લાઇસન્સ-રજિસ્ટ્રેશનના પોર્ટલ પર ઓનલાઇન કાર્યવાહી કરી લાઈસન્સ-રજિસ્ટ્રેશન મેળવી લેવા કહ્યું છે. આ મુદ્દે કોઈ પણ તકલીફ ઉભી થાય તો ડેઝીગ્રેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર કચેરીનો સંપર્ક કરવા કહ્યું છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરોની ટીમો દરેક સ્થળે આકસ્મિક ચેકીંગની કામગીરી કરશે. ચેકિંગ દરમિયાન જો ફૂડ સ્ટોલમાં સ્વચ્છતા નહીં હોય તો તે સંદર્ભે પણ કાર્યવાહી હાથ ધરશે. આ ઉપરાંત ગરબાનાં સ્થળોએ તમાકુ તેમજ પાન-મસાલાની જાહેરાત કરતા જણાશે તો તમાકુ નિયંત્રણ ધારા હેઠળ દંડની કાર્યવાહી ક૨વામાં આવશે.