Voter List Update: રાજ્ય સરકાર દ્વારા આગામી ખાસ સઘન સુધારણા (SIR) 2026 ના ભાગરૂપે મતદાર યાદીને અપડેટ કરવા માટે એક મહત્વપૂર્ણ અને સંભવિત વિવાદાસ્પદ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત વર્ષ 2002 અને 2025ની મતદાર યાદીઓની ઝીણવટભરી સરખામણી કરવામાં આવશે, જેની સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવા માટેની અંતિમ તારીખ 24 સપ્ટેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે.
સરકારી આદેશો અનુસાર, આ અભિયાન માટે બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ કામગીરી માટે 2002 ની છાપેલી મતદાર યાદી, 2025 ની અંતિમ મતદાર યાદી, તેમજ એપ્રિલ અને જુલાઈ 2025 ની પૂરક યાદીઓનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરીને 2002 ની યાદીને યુનિકોડમાં રૂપાંતરિત કરી તેનો પણ સહારો લેવાશે.
આ અંગે સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશ મુજબ ગામના BLO એ 2002ની મતદાર યાદી સાથે બેઠક કરવી, 2002 અને 2025ની મતદાર યાદીના સામાન્ય વિભાગોને ઓળખવા. BLO નું મુખ્ય કાર્ય 2002ની યાદીમાં સામેલ મતદારોને 2025ની વર્તમાન યાદીમાં શોધવાનું રહેશે. આ માટે 2025ની મુખ્ય યાદી, તેની પૂરક યાદીઓ અને BLO એપમાં તાજેતરમાં ઉમેરાયેલા નામોની પણ ચકાસણી થશે.
2002ની મતદાર યાદીમાં હાલના મતદારોને શોધવા (જેમાં 2025ની મતદાર યાદી, તેની પૂરક યાદીઓ અને જુલાઈ 2025થી અત્યાર સુધી BLO એપમાં ઉમેરાયેલા હાલના મતદારોનો સમાવેશ થાય છે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે રાજ્યના સરકારી પ્રાથમિક શિક્ષકોને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે અને લેખિતમાં પરિપત્ર દ્વારા આદેશો જારી કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યની મતદાર યાદીમાં લાખોની સંખ્યામાં બોગસ મતદારો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે આ પ્રકારની કવાયત પાછળ સરકારનો ઈરાદો રાજકીય લાભ મેળવવાનો હોઈ શકે છે અને ચોક્કસ મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થઈ શકે છે. પાર્ટીએ આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવાની માંગ કરી છે.