Two Accused in Disha Patani House Firing Killed in Encounter : બરેલીમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના ઘર પર ફાયરિંગ કરનારા બે આરોપીઓનું પોલીસે એનકાઉન્ટર કર્યું છે. ગાઝિયાબાદના ટ્રોનિકા સિટી વિસ્તારમાં આજે ( 17 સપ્ટેમ્બર 2025 ) યુપી, દિલ્હી અને હરિયાણાની પોલીસની સંયુક્ત ટીમ તથા આરોપીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જે બાદ મુખ્ય આરોપી રવીન્દ્ર અને અરુણને ઠાર કરવામાં આવ્યા છે.
કુખ્યાત ગેંગના સદસ્ય હતા બંને શૂટર
એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો રવીન્દ્ર મૂળ રોહતક જ્યારે અરુણ સોનિપતનો રહેવાસી હતો. બંને શૂટર કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેંગના સક્રિય મેમ્બર હતા. એન્કાઉન્ટર બાદ જિગાના પિસ્તોલ તથા કારતૂસ મળી આવ્યા છે.
પ્રેમાનંદ મહારાજ પર ટિપ્પણીનો બદલો લેવા થયું હતું ફાયરિંગ
નોંધનીય છે કે 12 સપ્ટેમ્બરે સવારે પોણા ચાર વાગ્યે બરેલીમાં દિશા પટણીના ઘર પર નવ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બંને શૂટર્સે સોશિયલ મીડિયામાં આ ઘટનાની જવાબદારી લીધી હતી. દિશા પટણીની બહેન ખુશ્બુ પટણીએ કથાવાચક અનિરુદ્ધાચાર્ય અને પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના કારણે બદલો લેવા માટે આ શૂટર્સે ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગની ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિશા પટણીના પિતા સાથે ફોન પર વાતચીત કરી તેમને પરિવારની સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું. જે બાદથી જ પોલીસ આ શૂટર્સની શોધખોળ કરી રહી હતી.