અમદાવાદ : ભારતીય શેરબજાર છેલ્લા એકાદ વર્ષથી સતત વિદેશી રોકાણકારોના વેચાણ દબાણનો સામનો કરી રહ્યું છે, પરંતુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારોના (ડીઆઇઆઇ)વિશ્વાસને કારણે બજાર સ્થિર રહ્યં છે. જેફરીઝના ગ્લોબલ હેડ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ્ટોફર વુડે જણાવ્યું છે કે જો છેલ્લા બે વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય રોકાણકારોનો રોકાણ પ્રવાહ ન આવ્યો હોત તો ભારતીય શેરબજારમાં ૨૦થી ૩૦ ટકાનો મોટો કડાકો નોંધાયો હોત.
વુડના મતે, ડોમેસ્ટિક ઇન્સ્ટિટયૂશનલ ઇન્વેસ્ટર્સ એટલેકે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ ઓગસ્ટ ૨૦૨૫ સુધી સતત ૨૫ મહિના બજારમાં પોતાનું રોકાણ વધાર્યું છે. માત્ર આ નાણાકીય વર્ષ ૨૦૨૬ના જ પ્રથમ પાંચ મહિનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં આશરે ૩૭.૬ અબજ ડોલરનો રેકોર્ડ ઈન્ફલો જોવા મળ્યો છે.
સામે પક્ષે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ અત્યાર સુધીમાં નેટ ૧.૫ અબજ ડોલરનું વેચાણ કર્યું છે. માત્ર જુલાઈ-ઓગસ્ટમાં જ ૬ અબજ ડોલરનો નેટ આઉટફ્લો જોવા મળ્યો છે.
વુડના મતે વિદેશી રોકાણકારો ભારતથી દૂર થઈને હાલમાં કોરિયા અને તાઇવાન જેવા બજારો તરફ વળી રહ્યા છે પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ વિવાદનો ઉકેલ આવતાની સાથે જ બજારમાં વ્યૂહાત્મક તેજી જોવા મળશે.
તેમનું માનવું છે કે જો આ વિવાદ લંબાય તો પણ, વર્ષના અંત સુધીમાં વિદેશી રોકાણકારો ફરી એકવાર ભારતમાં રોકાણ પરત લાવશે અને નેટ ખરીદદારો બનશે.
રોકાણકારો માટે સૌથી મહત્વપૂર્ણ સંકેત એ છે કે વુડ આગામી વર્ષ માટે પોઝીટિવ અભિગમ ધરાવે છે. તેમનું માનવું છે કે ૨૦૨૬માં ભારતનો નોમિનલ જીડીપી વૃદ્ધિદર વધશે, જે કોર્પોરેટ કમાણી-ઈપીએસ વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે.
આ સિવાય સરકાર દ્વારા તાજેતરના ટેક્સ ઘટાડા, જીએસટી સુધારા અને આવકવેરામાં ઘટાડાથી અર્થતંત્રને ફરી બમણી ઝડપે આગળ વધવાની ઉર્જા મળશે અને અંતત: શેરબજારને તેનો સીધો ફાયદો થશે. મ્યુચ્યુઅલ ફંડ ઈન્ફલો અને સ્થાનિક રોકાણકારોનો વિશ્વાસ બજારની કરોડરજ્જુ છે અને આગામી સમયમાં બનીને પણ રહેશે.