Vadodara Navratri News: વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોને કારણે આ વર્ષે સોસાયટીના રહીશોએ ગરબા નહીં કરવાનો નિર્ણય લેતા ઉત્સવ પ્રિય વડોદરા નગરી માટે શરમજનક કહી શકાય તેવી ઘટના બનવા જઈ રહી છે. વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આવેલા રામેશ્વર યુવક મંડળ દ્વારા પાંચ વર્ષથી રામેશ્વર વિસ્તારના કોમન પ્લોટમાં બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં 150 થી 200 જેટલા બાળકો માતાઓ અને બહેનો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે.
પરંતુ આ વખતે સ્થાનિક રહીશોએ ગરબા નહીં કરવાનો નિર્ણય લીધો છે. જેનું મુખ્ય કારણ ચોરીના બનાવો તેમજ પાછળ આવેલા નવા યાર્ડ રેલવે વિસ્તારના નશાખોર અને ગંજેડી તત્ત્વોને ગણાવવામાં આવ્યા છે.
ગરબાના આયોજક વિજયભાઈ જાદવનું કહેવું છે કે, જ્યાં ગરબાનું આયોજન થાય છે તેની પાછળ જ દારૂ,ચરસ,ગાંજા જેવી પ્રવૃત્તિઓ ચાલે છે. પોલીસ અમને સહકાર આપે છે તેમાં ના નથી. પરંતુ આવા તત્ત્વો ને કારણે કોઈ બનાવ બની જાય તો તેના માટે જવાબદાર કોણ.
તેમણે એમ પણ કહ્યું હતું કે, બીજા વિસ્તારમાં સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે. પરંતુ અમારા વિસ્તારમાં હજી કેમેરા નાખવામાં આવ્યા નથી. જેને કારણે ગરબા યોજવાનું જોખમ લેવું ઉચિત જણાતું નથી અને આવતા વર્ષે જો સુરક્ષા જળવાશે તો અમે ફરીથી ચોક્કસ ગરબા શરૂ કરીશું.