– 18 જેટલા ઓરડાઓ જર્જરિત જાહેર કરાતા
– સ્કૂલે જતા બાળકોને શ્વાન, વાનર, રખડતા ઢોરના હુમલાનો ભય : ગામની નજીકના મકાનમાં ભણાવવા માંગ
નડિયાદ : નડિયાદ તાલુકાના કંજરી ગામની પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓ જર્જરિત જાહેર કરાતા શાળાને ગામથી દૂર ઇન્દિરા નગરીની શાળામાં શિફ્ટ કરવામાં આવી છે. ત્યારે શાળામાં જતા બાળકોને રસ્તામાં રખડતા પશુઓના હુમલાનો ભય છે. પરિણામે વાગીઓમાં સ્કૂલને છેવાડાના સ્થળે ખસેડવા સામે આક્રોશ ફેલાયો છે.
નડિયાદ તાલુકાના કંજરી ગામમાં વર્ષો જૂની પ્રાથમિક શાળા આવેલી છે. પ્રાથમિક શાળાના ૧૮ જેટલા ઓરડાઓ વિદ્યાર્થીઓને બેસાડવા યોગ્ય ના હોવાથી જર્જરિત હાલતમાં હોવાનું જાહેર કરાયું છે. પરંતુ આ ઓરડાઓ નવા બનાવવા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. ત્યારે આખી શાળાને ગામની બહાર દૂરના અંતરે આવેલી ઇન્દિરા નગરીની શાળામાં શિફ્ટ કરવામાં આવી છે. પરિણામે ધોરણ ૧થી ૮ ના બાળકોને આવવા જવામાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે. શાળામાં જતા બાળકોને રસ્તામાં શ્વાન, વાનર તેમજ રખડતા પશુઓનું જોખમ રહેલું છે.
જેથી ગામની પ્રાથમિક શાળાને ગામની છેવાડે આવેલી સ્કૂલમાં ખસેડવામાં આવતા કેટલાક વાલીઓ નાના બાળકોને શાળામાં મોકલવાનું ટાળી રહ્યા છે. શાળાને ગામની બહાર શિફ્ટ કરવાના બદલે ગામની નજીકમાં જ આવેલા સ્થળે ખસેડવા વાલીઓમાં માંગણી ઉઠી છે. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓને આ ગામની નજીક આવેલા મકાનમાં શાળા શિફ્ટ કરવા રજૂઆત કરી છે.