– સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી, એસએમસીનો દરોડો
– કોતરમાં ચાર્જિંગ બેટરીના અજવાળે બહારગામથી માણસો બોલાવી જુગાર રમાતો હતો
આણંદ : ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બોરસદ તાલુકાના કિંખલોડ ગામના પરવાડ વગા વિસ્તારમાં કોતરોમાં છાપો મારીને ચાર્જિંગ બેટરીના અજવાળે ચાલતા જુગારના અડ્ડાને ઝડપી પાડયું હતું. પોલીસે ૧૬ જુગારીઓ પાસેથી રૂા. ૨.૮૭ લાખની રોકડ, બાઈકો, મોબાઈલ સહિત રૂપિયા ૨૩.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારનો અડ્ડો ચલાવનાર મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ તથા અન્ય શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
બોરસદ તાલુકાના કિંખલોડ ગામે રહેતો કનુ ઉર્ફે કલો ફતેસિંહ પરમાર તથા જીતુભાઈ ઉર્ફે જીતુ ઘનશ્યામભાઈ પરમાર અને વડોદરાના મહારાજ નામના શખ્સે ભેગા મળી કિંખલોડ ગામના પરવાડ વગા વિસ્તારમાં આવેલી કોતરોમાં જુગારનો અડ્ડો શરૂ કર્યો છે. ચાજગ બેટરીના અજવાળે બહારગામથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યા હોવાની માહિતી ગાંધીનગરની એસએમસીની ટીમને મળી હતી. જેના આધારે પોલીસે ગતરોજ છાપો મારતા જુગારના અડ્ડામાં નાસભાગ મચી ગઈ હતી. જો કે, પોલીસે કોર્ડન કરીને ૧૬ શખ્સોને ઝડપી પાડયા હતા. દરોડામાં મુખ્ય સૂત્રધારો કનુ ઉર્ફે કલો ફતેસિંહ પરમાર, જીતુભાઈ ઉર્ફે જીતુ ઘનશ્યામભાઈ પરમાર અને મહારાજ નામનો શખ્સ ફરાર થઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સોની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપિયા ૨.૮૭ લાખ તથા ૧૬ મોબાઈલ અને ૯ બાઈકો મળી કુલ રૂપિયા ૨૩.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારના અડ્ડામાં ઝડપાયેલા 16 જુગારીઓ
રજનીકાંત મોહનભાઈ ગજેરા રહે. જીટોડીયા, નરેન્દ્ર ભગવાનસંગ દરબાર રહે. નાપા તળપદ, જયમીન સુખદેવ વાઘેલા રહે. રાજુપુરા, ગિરવતસિંહ અમરસિંહ ઝાલા રહે. મોટી શેરડી, વિશાલ ઠાકોર ભાઈ મોદી રહે. વડોદરા, અસલમ મયુદ્દીન મન્સૂરી રહે. સિનોર, રમેશભાઈ ભલાભાઇ ગાબુ રહે. રાજપીપળા, બળવંત રમણભાઈ પરમાર રહે. દહેવાણ, વિનોદ રાજાભાઈ પરમાર રહે. વડોદરા, મિતેશ વજેસિંહ મહિડા રહે. ભાદરણ, દિપક ભીખાભાઈ પઢીયાર રહે. ચમારા, મુકેશ ભાઈલાલભાઈ ઠાકોર રહે. નવાખલ, અનિલ દિનેશભાઈ રાજપુત રહે. વડોદરા, કલ્પેશ રાવજીભાઈ પઢીયાર રહે. અલારસા, કિરણ ચંદ્રસિંહ પરમાર રહે. ગોરવા, અશરફ યાકુબભાઈ પટેલ રહે. વડોદરાનો સમવવેશ થાય છે.