– પાસબુકમાં એન્ટ્રી પડાવવા જતા જાણ થઈ
– બંનેની સહી ફરજિયાત હોવા છતાં દિયરની સહીથી ચેકબૂક આપીઃ ભોગ બનનારની દિયર અને બેન્કના કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ
સુરેન્દ્રનગર : વઢવાણ શહેરી વિસ્તારમાં આવેલી બેન્કના જોઈન્ટ ખાતામાંથી એક ખાતેદાર દ્વારા બેન્કના કર્મચારી અને અધિકારીની મીલીભગતથી ચેકબુક મેળવી ચેક દ્વારા રોકડ રૂા.૧૦,૦૯,૦૦૦ ઉપાડી લેતા ભોગ બનનાર ખાતેદારે વઢવાણ પોલીસ મથકે જોઈન્ટ ખાતેદાર સહિત બેન્કના જવાબદાર કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વઢવાણ ખારવા રોડ પર હુડકો સોસાયટીમાં રહેતા ફરિયાદી હસુબા હરિસંગભાઈ ગઢવીના પતિનું અવસાન થયા બાદ સહિયારી જમીન વેચતા રોકડ રકમ ભાગમાં આવી હતી જે તમામ રકમ ફરિયાદીએ પોતાના દિયર ભગવતદાન મોડભાઈ ગઢવી સાથે ખોલાવેલ વઢવાણ મસ્જીદ ચોક પાસે આવેલ બેન્ક ઓફ બરોડાના જોઈન્ટ ખાતામાં જમા કરાવી હતી. આ ખાતામાં ફરિયાદીના દિયર દ્વારા પણ કટકે કટકે રૂા.૫,૦૦,૦૦૦ રોકડા અને રૂા.૫,૦૦,૦૦૦નો ચેક જમા કરાવ્યો હતો આમ કુલ રૂા.૧૦,૦૪,૩૮૮.૭૬ જેટલી રકમ જમા થઈ હતી અને જમા થયેલ રકમનું વ્યાજ પણ બેન્કમાં જમા થતું હતું ફરિયાદી તેમજ દિયર બન્ને અવાર-નવાર એકબીજાની સહમતીથી જોઈન્ટ એકાઉન્ટમાંથી વ્યાજની રકમ ઉપાડતા હતા પરંતુ છેલ્લા એક વર્ષથી દિયર ફરિયાદી સાથે રહેતા નહોતા અને ગામડે મોરબી રહેવા લાગ્યા હતા. જે દરમ્યાન ફરિયાદી અને તેમના દિકર બેન્કમાં ગયા ત્યારે પુછપરછ કરતા તેમના નામ અને સહીથી ચેકબુકની અરજી કરી હોવાનું બહાર આવ્યું હતું. આથી ફરિયાદીએ સંયુક્ત ખાતાની પાસબુકમાં એન્ટ્રી કરાવતા ખાતામાં માત્ર વ્યાજની રકમ રૂા.૨૩૩૫.૨૮ જેટલું જ બેલેન્સ હોવાનું જણાઈ આવતા ફરિયાદીએ આ અંગે બેન્કના કર્મચારીને પુછતા જોઈન્ટ ખાતામાંથી દિયર ભગવતદાન મોડભાઈ ગઢવી દ્વારા અલગ-અલગ તારીખે કુલ રૂા.૧૦,૦૯,૦૦૦ ચેક દ્વારા ઉપાડી લીધા હોવાનું માલુમ પડયું હતું. જ્યારે ફરિયાદીની જાણ બહાર જોઈન્ટ ખાતાની ચેકબુક મેળવી રકમ ઉપાડી લીધી હોવાનું બહાર આવતા આ અંગે વઢવાણ પોલીસ મથકે જોઈન્ટ ખાતામાંથી રકમ ઉપાડનાર દિયર ભગવતદાન મોડભાઈ ગઢવી હાલ રહે.મોરબી તથા બેન્ક ઓફ બરોડા બ્રાન્ચના જવાબદાર કર્મચારીઓ સામે વઢવાણ પોલીસ મથકે છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.