– પાલિકાના દંડકના આંદોલનનું કોઇ નક્કર પરિણામ નહીં
– ઉભરાતી ગટર, રસ્તા પરના ખાડા સહિતના પ્રાણ પ્રશ્નો લઇ તંત્રને વારંવાર રજૂઆત છતાં સમસ્યા અધ્ધરતાલ
વિરમગામ : વિરમગામ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અખંડ ઉભરાતી ભૂગર્ભ ગટરો રોડ રસ્તાની બિસ્માર હાલત પીવાનું આવતું દૂષિત પાણી સહિતના પ્રાણ પ્રશ્નોને લઈને પાલિકામાં સ્વૈચ્છિક રાજીનામું આપનાર કર્મચારી અને શહેરના જાગૃત નાગરિક વિનુભાઈ રાવલ નગરપાલિકા કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનનું રણશીંગું ફૂંકવામાં આવ્યું છે.
વિનુભાઈ રાવલે શહેરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરો, જાહેરમાર્ગો પડેલા ખાડાઓ, દૂષિત પાણી વિતરણ સહિતના પ્રાણ પ્રશ્નોને લઈને લાગતા વળગતા જવાબદાર તમામ સરકારી અધિકારીઓ, ચૂંટાયેલા જનસેવકોને આવાર નવાર લેખિત મૌખિક રજૂઆત કરી હતી. તેમ છતાં સમસ્યા હાલ ન થતા ૨૮-૮-૨૦૨૫ ના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની લેખિત જાણ કરવામાં આવી હતી. ત્યારે આજે નગરપાલિકા કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૬મી ઓગસ્ટના રોજ નગરપાલિકાના દંડક અને ભાજપના વોર્ડ નંબર છના સદસ્ય ઉમેશ વ્યાસ દ્વારા પણ ઉભરાતી ભૂગર્ભ ગટરો દૂષિત પીવાનું પાણી ભૂગર્ભ ગટરની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની લઈને લઈને ઉપવાસ આંદોલન કર્યું હતું. બાદમાં મામલતદારે હૈયાધારણ આપતા ઉમેશ વ્યાસએ ૩૦મી ઓગસ્ટના રોજ પારણા કર્યા હતા. તેે વાતને આજે ૨૦ દિવસ થયા છતાં ઉમેશ વ્યાસ દ્વારા રજૂ કરેલી સમસ્યા અંગે કોઈ પગલાં કે લેખિત જવાબ તંત્ર દ્વારા આપવામાં આવેલ નથી જે બાબતે ઉમેશ વ્યાસ દ્વારા લેખિતમાં મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.