ગરદન પકડી ઉભેલી ટ્રેનમાં માથું અથડાવ્યું યુનિફોર્મ ફાડી નાખી પ્લેટફોર્મ નીચે ફેંકી દેવા પ્રયાસ કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ
જૂનાગઢ, : વેરાવળ રેલ્વે સ્ટેશન પર ફરજ પર રહેલા આરપીએફના જવાનને સ્ટેશનમાંથી બહાર નીકળવા કહેતા રિક્ષા ચાલકોએ ઉશ્કેરાઈ જઈ પોલીસકર્મીને માર મારી ગરદન પકડી સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં માથું અથડાવ્યું હતું અને યુનિફોર્મ ફાડી નાખી પ્લેટફોર્મ નીચે ફેંકી દેવા પ્રયાસ કર્યો હતો તેમજ ફરજમાં રૂકાવટ કરી મારી નાખવા અને ખોટી ફરિયાદ કરી ફસાવી દેવા ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ થતા રેલ્વે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ વેરાવળ રેલ્વે સ્ટેશન પર આરપીએફમાં ફરજ બજાવતા અરવિંદકુમાર સત્યવીરસિંહ તોમર(ઉ.વ. 34) આજે બપોરે સાડા બાર વાગ્યા આસપાસ સ્ટેશન પર ફરજમાં હતા ત્યારે અમદાવાદ-વેરાવળ વંદે ભારત ટ્રેન પ્લેટફોર્મ નં.1 પર આવી હતી આથી રિક્ષા ચાલકોનું ટોળું પ્લેટફોર્મ ટિકીટ વગર ત્યાં આવી મુસાફરોને બળજબરીપૂર્વક બહાર લઈ જવા માટે બુમાબુમ કરવા લાગ્યા હતા અને રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઉપદ્રવ મચાવ્યો હતો. આ બાબત ધ્યાનમાં આરપીએફ જવાન અરવિંદકુમાર, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ દયાતર અને કોન્સ્ટેબલ આનંદસિંહ શેખાવતે આ લોકોને સ્ટેશનમાંથી બહાર જવાનું કહ્યું હતું આથી હાજી જુમા બાસઠીયા નામના રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકોને સાથે લઈ આવી આરપીએફ જવાન અરવિંદકુમારને ધાકધમકી તથા ગાળો આપી મારકુટ કરી હતી. બાદમાં હાજી બાસઠીયા અને અન્ય બે રિક્ષા ચાલકોએ ધક્કો મારી અરવિંદકુમારની ગરદન પકડી પ્લેટફોર્મ ઉપર ઢસડી ઉભેલી ટ્રેનમાં માથું અથડાવી પ્લેટફોર્મ નીચે ફેંકી દેવા પ્રયાસ કર્યો હતો. અન્ય આરપીએફ જવાનોએ આવી અરવિંદકુમારને બચાવ્યા હતા. રિક્ષાચાલકો ભાગી ગયા હતા અને જતા જતા ‘તું તારી નોકરી પુરી કરી રેલ્વે સ્ટેશનની બહાર આવ એટલે તને મારી નાખવો છે અને પોલીસમાં તારી ખોટી ફરિયાદ કરી ફસાવી દેવાનો છે’ તેમ કહી રિક્ષાચાલકો નાસી ગયા હતા. આ અંગે અરવિંદકુમાર તોમરે ફરિયાદ કરતા જૂનાગઢ રેલ્વે પોલીસે હાજી જુમા બાસઠીયા સહિતનાઓ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.