Andaman And Nicobar North Sentinel Island: કુદરતની મબલખ મહેર ધરાવતા આંદામાન અને નિકોબાર ટાપુઓ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. જો કે આ વિસ્તારના તમામ ટાપુઓ પર જવાની પ્રવાસીઓને છૂટ નથી. આદિવાસીઓની વસ્તી ધરાવતો નોર્થ સેન્ટિનેલ એવો જ એક ટાપુ છે, જેના પર કોઈપણ વ્યક્તિને જવાની મનાઈ છે. તાજેતરમાં આ ટાપુ પર અનધિકૃત રીતે પ્રવેશ કરનારા એક અમેરિકન નાગરિકની ધરપકડ કરાઈ છે. 1997થી આ ટાપુની મુલાકાત લેવા પર પ્રતિબંધ છે.
શું હતો બનાવ?
માયખાઈલો વિક્ટોરોવિચ પોલિકોવ નામના 24 વર્ષના અમેરિકન યુવાનની 31 માર્ચના રોજ ધરપકડ કરાઈ હતી. કારણ એ હતું કે, તે આંદામાન નિકોબારના પ્રતિબંધિત નોર્થ સેન્ટિનલ ટાપુ પર પ્રવેશી ગયો હતો. માયખાઈલો 26 માર્ચે પોર્ટ બ્લેર પહોંચ્યો હતો. 29 માર્ચે મધરાતે એક વાગ્યાની આસપાસ તે કુર્મા ડેરા બીચ પરથી બોટ લઈને નોર્થ સેન્ટિનલ ટાપુ જવા એકલો નીકળી પડ્યો હતો. સેન્ટિનલ ટાપુના રહેવાસીઓને ભેટ આપવા માટે તેણે પોતાની સાથે નાળિયેર અને કોલા(પીણું)નો ડબ્બો લીધો હતો.
માયખાઈલો બીજે દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં નોર્થ સેન્ટિનલ ટાપુના ઉત્તર-પૂર્વી કિનારે પહોંચી ગયો હતો. ત્યાં જઈને તેણે દૂરબીન વડે ચારેય તરફ જોયું પણ તેને કોઈ આદિવાસી જોવા ન મળ્યો. ટાપુ પર તેણે થોડા કલાક પસાર કર્યા, સ્થાનિકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે સીટીઓ પણ વગાડી પણ તેની મહેનત રંગ ન લાવી. ત્યાર પછી બપોરે એક વાગ્યે માયખાઈલોએ પરત મુસાફરી શરુ કરી હતી. સાંજે 7 વાગ્યે તે કુર્મા ડેરા બીચ પર પહોંચ્યો ત્યારે સ્થાનિક માછીમારોએ તેને જોયો. એ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં શું વિગતો મળી?
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, માયખાઈલોએ પ્રતિબંધિત ટાપુ સુધી જવા માટે જીપીએસ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. ટાપુ પર આદિવાસીઓ ન મળતાં તે તેમના માટે લઈ ગયેલી ચીજો ત્યાં મૂકીને પાછો ફર્યો હતો. તે પોતાની સાથે થોડી રેતી લાવ્યો હતો. ત્યાંની મુલાકાતનો વીડિયો પણ તેણે બનાવ્યો હતો. પોલીસે તેની બોટ, મોબાઇલ, GoPro કેમેરા અને અન્ય સામાન કબજામાં લીધા હતા. માયખાઈલોએ ફક્ત જિજ્ઞાસાવશ પ્રતિબંધિત ટાપુ પર જવાનું દુઃસાહસ ખેડ્યું હતું કે પછી તેનો કોઈ જુદો ઇરાદો હતો, એ વિશે પોલીસ તપાસ ચાલી રહી છે. માયખાઈલોના પિતા યુક્રેનિયન મૂળના છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પના આકરા વલણથી ગૂગલ-એમેઝોન એલર્ટ, H-1B કર્મચારીઓને અમેરિકા બહાર ન જવા સલાહ
અગાઉ પણ મુલાકાત લીધી હતી
પોલીસ પૂછપરછમાં માયખાઈલોએ કબૂલ કર્યું હતું કે, તે અગાઉ પણ આંદામાન અને નિકોબારની મુલાકાત લઈ ચૂક્યો છે. તેણે ગયા વર્ષે ઑક્ટોબરમાં પોર્ટ બ્લેરની મુલાકાત લીધી હતી. એ વખતે પણ તેણે ઈન્ફ્લેટેબલ કાયકનો ઉપયોગ કરીને નોર્થ સેન્ટિનેલ ટાપુ પર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હોટલના સ્ટાફ દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો.
ચોરી છૂપી આદિવાસીઓના વીડિયો બનાવ્યા
એ પછી જાન્યુઆરી, 2025માં તે ફરીથી અહીં આવ્યો હતો. ત્યારે તે બારાતાંગ ટાપુ પર ગયો હતો. એ ટાપુ પર તેણે ગેરકાયદે રીતે જારવા જનજાતિના વીડિયો બનાવ્યા હોવાનો આરોપ તેના પર મૂકાયો છે. આ મુદ્દે તિરુરના આદિજાતિ કલ્યાણ અધિકારી પ્રોનબ સિરકાર દ્વારા તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ‘ફોરેનર્સ ઍક્ટ, 1946’ હેઠળ તેની સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.
નોર્થ સેન્ટિનલ ટાપુ શા માટે પ્રતિબંધિત છે?
આદિવાસી જનજાતિઓનું સંરક્ષણ કરવા માટે ભારતમાં વિશેષ કાયદા બનાવાયા છે. આંદામાન અને નિકોબાર ટાપુસમૂહના આદિવાસી માટે પણ વિશેષ કરીને ‘પ્રોટેક્શન ઑફ એબોરિજનલ ટ્રાઇબ્સ અમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સ, 2012’ નામનો કાયદો બનાવાયેલો છે, જે અંતર્ગત નોર્થ સેન્ટિનલ ટાપુ પર વસતાં આદિવાસીઓનું અસ્તિત્વ જોખમમાં હોવાનું ગણીને તેમને ‘સંવેદનશીલ આદિવાસી જૂથ’ તરીકે વર્ગીકૃત કરાયા છે. તેથી બહારના લોકો ત્યાં જઈને કોઈપણ રીતે સ્થાનિક આદિવાસીઓનું જીવન પ્રભાવિત ન કરે, એટલા માટે ભારત સરકારે નોર્થ સેન્ટિનલ ટાપુ પ્રતિબંધિત કર્યો છે.
કેટલા જોખમી છે નોર્થ સેન્ટિનલના આદિવાસીઓ?
‘સેન્ટિનલીઝ’ કહેવાતા નોર્થ સેન્ટિનલના આદિવાસીઓ બહારના લોકોના એમના ટાપુ પર હસ્તક્ષેપ કરવા બાબતે ખાસ્સા સંવેદનશીલ છે. એટલી હદે છે કે, ત્યાં ગેરકાયદે જનારાની તેઓ હત્યા કરી દે છે. નવેમ્બર 2018માં જ્હોન ચાઉ નામના અમેરિકન મિશનરી આદિવાસીઓને મળવા માટે ત્યાં ગયા હતા, તો તેમની પણ હત્યા થઈ ગઈ હતી. ભૂતકાળમાં પણ એવા અનેક કિસ્સા બન્યા હતા, જેમાં બહારના લોકોએ સેન્ટિનલીઝ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હોય અને એમાં જીવ ગુમાવ્યો હોય. આથી બહારના લોકોને એ ટાપુ પર જવાની મનાઈ હોવાનું એક કારણ એમની સુરક્ષા પણ છે. ટૂંકમાં આદિવાસીઓ અને બહારના લોકો એમ બંનેની સુરક્ષા માટે આ પ્રતિબંધ છે.
કેવું જીવન જીવે છે સેન્ટિનલીઝ?
- સેન્ટિનલીઝ વિશ્વની છેલ્લી પૂર્વ-પાષાણ યુગની આદિજાતિ ગણાય છે. તેમની જીવનશૈલી પર એક નજર નાંખીએ.
- સેન્ટિનલીઝ કામચલાઉ ઝૂંપડીઓમાં રહે છે. એવી ઝૂંપડીઓ જેમાં ચાર લાકડા ખોસીને, તેની ઉપર પાંદડાની ત્રાંસી છત બનાવાયેલી હોય. તેઓ ખપ પૂરતાં કપડાં પહેરે છે, જે મુખ્યત્વે વૃક્ષની છાલમાંથી બનાવાયેલા હોય છે. પુરુષો કમરના પટ્ટામાં ખંજર રાખે છે. – મોટાભાગના પુરુષો નિર્વસ્ત્ર રહે છે. તેઓ ગળામાં હાર અને હેડબેન્ડ પહેરે છે.
- સેન્ટિનલીઝ શિકારી જીવન જીવે છે. તેમના આહારમાં મુખ્યત્વે જંગલી ડુક્કર, કાચબા અને માછલીઓનો સમાવેશ થાય છે. કાદવમાં રહેતા કરચલા અને અન્ય જીવો પણ તેમનો આહાર છે. ખોરાકમાં તેઓ ફળો, મૂળ અને કંદ પણ ખાય છે.
- માછલાં અને કાચબાના શિકાર માટે તેઓ કેનો(એક પ્રકારની હોડી)ની મદદથી પાણીમાં જાય છે, જ્યારે શિકાર કરવા ધનુષ્ય, તીર અને ભાલાનો ઉપયોગ કરે છે. આ હથિયારો જહાજના ભંગારમાંથી મળેલા ધાતુમાંથી બનાવેલા હોય છે.
- સેન્ટિનલીઝ સામુદાયિક જીવન જીવે છે. તેમનામાં મજબૂત કૌટુંબિક ભાવના હોય છે. તેમના સમુદાયો પરસ્પર સહયોગી હોય છે.
- સેન્ટિનલીઝને તેમના ટાપુની ભૂગોળ, દરિયાની પ્રકૃતિ અને ઈકોસિસ્ટમનું ઊંડું જ્ઞાન છે.
- સેન્ટિનલીઝનું વલણ બહારના લોકો પ્રત્યે આક્રમક હોવાથી તેમનો સીધો સંપર્ક કરવો મુશ્કેલ છે. તેથી તેઓ કઈ ભાષા બોલે છે, પોતાના સમુદાયને કયા નામે બોલાવે છે, એ માહિતી આજ સુધી નથી મળી.