સ્થાનિક વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ દિશામાં સરકારનું પગલું માઇલસ્ટોન સાબિત થશે: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
:મંગળવાર: રાજ્ય સરકાર ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં શિક્ષણને વ્યાપક અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારના પ્રયાસોથી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં અનેક નવી શાળાઓ, કોલેજો અને હોસ્ટેલોની સ્થાપના થઈ છે.
શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા રાજ્યનું શિક્ષણ બહુઆયામી બને તે માટે સતત કાર્યરત છે. કામરેજ વિધાનસભામાં શિક્ષણનો વ્યાપ વધે એ માટે મંત્રીશ્રીની ફળદાયી રજૂઆત સંદર્ભે રાજ્ય સરકારે કામરેજ વિધાનસભાના વેલંજામાં ૫૦૦૦ વાર જમીન પર પ્રાથમિક શાળાનું નિર્માણ થઇ ચૂક્યું છે, જ્યારે ૯૦૦૦ ચો.મી. શ્રી સરકાર જમીન સરકારી માધ્યમિક શાળાના મકાન બાંધકામ માટે ગુજરાત જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ના વહીવટી હુકમ-૩ હેઠળ શિક્ષણ વિભાગને ફાળવવાનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે વિદ્યાર્થીઓ વધુ સુવિધાયુક્ત સરકારી શાળામાં અભ્યાસ કરી શકશે.
આ નિર્ણયથી વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં જ ઉચ્ચ સ્તરનું શિક્ષણ, વિજ્ઞાન-ટેકનોલોજી આધારિત લેબ્સ તથા નવીન શૈક્ષણિક સગવડો મળશે.
આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ કામરેજના ધારાસભ્ય અને શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મહેસૂલ વિભાગનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરતા કહ્યું કે, સ્થાનિક વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ દિશામાં સરકારનું પગલું એક માઇલસ્ટોન સાબિત થશે. તેમણે શિક્ષણને વેગ આપવા માટે રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ તેમજ કામરેજમાં નવા પેઢીના સપના સાકાર કરવા તરફનું રાજ્ય સરકારનું ઉમદા પગલું ગણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, ૫૦૦૦ વાર જમીન પર પ્રાથમિક શાળાનું નિર્માણ થઇ ચૂક્યું છે.