Passport authority: ગુજરાત હાઈકોર્ટે પાસપોર્ટ રિન્યુઅલ કેસની સુનાવણી દરમિયાન મહત્ત્વનું અવલોકન કરતા જણાવ્યું કે આરોપીને વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર છે કે કેમ, એ નક્કી કરવાની સત્તા પાસપોર્ટ ઓફિસ પાસે નહિ, પરતું સંપૂર્ણપણે ટ્રાલય કોર્ટ પાસે હોય છે. કોર્ટે પાસપોર્ટ ઓફિસને આરોપી જુનેદ મોદનનો પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ નિરલ મહેતાએ આપેલા આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો અરજદાર (આરોપી) વિદેશ પ્રવાસ જવા માટે જવા માંગતા હોય તો તેના માટે તેમણે ટ્રાયલ કોર્ટ સમક્ષ આ માગ કરતી અરજી દાખલ કરવી પડશે. કોર્ટે કહ્યું કે, ‘જો અરજદાર દ્વારા પાસપોર્ટ રિન્યુ કરવા માટે પાસપોર્ટ ઓફિસમાં કોઈ અરજી દાખલ કરી હોય, તો અરજીનો નિકાલ 4 સપ્તાહના સમયગાળા સુધીમાં લાવવામાં આવે.’
ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં આવા જ એક કિસ્સોમાં બોમ્બે હાઈકોર્ટે આપેલા આદેશને પણ ટાંક્યો હતો, જેમાં બોમ્બે હાઈકોર્ટે કાયદા અને નિયમોને આધિન રહીને પાસપોર્ટ કચેરીને આરોપીનો પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે તેના આદેશમાં 25મી ઓગસ્ટ 1993ના રોજ જારી કરવામાં આવેલા ઠરાવની પણ નોંધ લીધી હતી.
આ પણ વાંચો: મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ: નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત
સરકારી વકીલ તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારની પાસપોર્ટ અરજી 25મી ઓગસ્ટ 1993ના રોજ જારી કરવામાં આવેલા GSR ઠરાવ પ્રમાણે નક્કી કરવામાં આવવી જોઈએ. ફોજદારી કેસનો સામનો કરનાર આરોપીઓને વિદેશ પ્રવાસ જતાં પહેલા કોર્ટના આદેશની જરૂર પડે છે.
અરજદારના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ગુજરાત હાઈકોર્ટે આરોપી જુનેદ મોદનને 1 ઓગસ્ટ 2022ના રોજ આ ગુનામાં જામીન આપ્યા હતા. અરજદારના પાસપોર્ટની મુદ્દત 18મી ફેબ્રુઆરી 2026ના રોજ સમાપ્ત થવાની છે. અરજદારે અગાઉ પણ વિદેશ પ્રવાસની મંજૂરી મેળવવા માટે કોર્ટમાં અનેક વખત અરજી કરી હતી.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2022માં માતર પોલીસને બાતમી મળતી હતી કે ટેન્કર શંકાસ્પદ બાયો-ડિઝલનો જથ્થો લઈ પસાર થશે, જેના આધારે પોલીસે ખોડિયાર ચોકડી પાસેથી ટેન્કરને અટકાવ્યો અને ડ્રાઈવર સહિત અન્ય આરોપીઓની પૂછપરછ કરતા ટેન્કરમાં 24 હજાર લિંટર બાયો-ડિઝલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ શંકાસપ્દ બાયો-ડિઝલની બજાર કિંમત 14 લાખ 34 હજાર રૂપિયા જેટલી થાય છે.
પોલીસે આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ટેન્કરને પણ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી અબ્બાસ થેબા, ફઝલ મોદાન, તોસીબ પઠાણ અને શહેઝાદલમ અંસારી વિરુદ્ધ યોગ્ય પરમિટ વિના 24 હજાર લિટર શંકાસ્પદ બાયો-ડીઝલનું પરિવહન કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીઓ માતર GIDCમાં સ્થિત એમ આર લુબ ઈન્ડસ્ટ્રીઝમાંથી આ ટેન્કર ભર્યું હતું. એમ આર લુબ ઈન્ડસ્ટ્રીના ભાગીદારમાં જુનેદ મોદનનું નામ સામે આવ્યું હતું.
આ પણ વાંચો: અડાલજ હત્યા કેસમાં સાયકો કિલરની ધરપકડ: મહિલા મિત્ર સાથે બર્થડે ઉજવણી કરતાં યુવક પર કર્યો હતો હુમલો