![]()
મુંબઈ : એચ૧બી વિઝા પરની પોતાની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કરવા દેશની આગેવાન ઈનફરમેશન એન્ડ ટેકનોલોજી (આઈટી) કંપનીઓ સજ્જ થઈ રહી છે અને આ સંદર્ભની સ્પષ્ટતા પણ તેમણે સરકાર સમક્ષ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમેરિકા ખાતેના કલાયન્ટસને ભારતમાં જ બેસીને સેવા પૂરી પાડવાની કંપનીઓએ તૈયારી દર્શાવી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. કેટલીક આઈટી કંપનીના સંચાલકોએ સોમવારે સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં તેમણે ભારતમાં જ કામ પાછા લાવવાની તૈયારી બતાવી હતી.
અમેરિકા દ્વારા એચ૧બી વિઝા ફી વધારી એક લાખ ડોલર કરાતા દેશની આઈટી કંપનીઓ સામે હાલમાં પડકારરૂપ સ્થિતિ ઊભી થઈ છે કારણ કે એચ૧બી વિઝાના સૌથી વધુ લાભકર્તા ભારતીયો છે.
અમેરિકા દ્વારા જારી કરાતા આ વિઝામાંથી ૭૦ ટકા ભારતીયોને ફાળે જાય છે. અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફ બાદ હવે એચ૧બી વિઝાને પરિણામે ઊભી થયેલી અનિશ્ચિત સ્થિતિમાં પોતે કામ કરવા માગતી નહીં હોવાનો કંપનીઓનો સૂર રહ્યો હતો એમ બેઠકમાં હાજર એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
અનિશ્ચિત વાતાવરણ વચ્ચે લાંબા ગાળાના વેપાર આયોજન કરવાનું મુશકેલ બની શકે છે. દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને સ્વદેશીના વપરાશની વડા પ્રધાનની જાહેરાતને ધ્યાનમાં રાખતા આઈટી કંપનીઓની આ તૈયારી મહત્વની માનવામાં આવે છે.
અમેરિકામાં પોતાના કલાયન્ટસને સેવા પૂરી પાડવા ભારતની આઈટી કંપનીઓ એચ૧બી વિઝા મેળવી પોતાના કર્મચારીઓને અમેરિકા પાઠવે છે જે તેમને અમેરિકાના કર્મચારીઓની સરખામણીએ સસ્તુ પડે છે.
અમેરિકાના કર્મચારીઓને રોકવામાં આઈટી કંપનીઓએ ત્યાંના ધારાધોરણ પ્રમાણે વેતન પૂરા પાડવા પડ ેછે અને કામકાજના કલાકો પણ સીમિત રહે છે, જ્યારે ભારતના એન્જિનિયરો પ્રમાણમાં ઓછા વેતનમાં વધુ કલાકો ઉપલબ્ધ બની રહે છે.










