Pahalgam attack: જમ્મુ- કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓને મદદ કરનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સની ઓળખ દક્ષિણ કાશ્મીરના મોહમ્મદ યુસુફ કટારિયા તરીકે થઈ છે, જેણે 22 એપ્રિલે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને મદદ કરી હતી. શ્રીનગર પોલીસે તેની ધરપકડ કરી, તેને કોર્ટમાં રજૂ કર્યો, અને ત્યારથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી
મોહમ્મદ કટારિયા પણ એક આતંકવાદી
મોહમ્મદ યુસુફ કટારિયા લશ્કર-એ-તૈયબા (TRF)નો આતંકવાદી છે, જેના પર બૈસરન ખીણમાં 26 લોકોની હત્યામાં સામેલ આતંકવાદીઓને સહાય કરવાનો આરોપ છે.
કેવી રીતે પકડાયો યુસુફ કટારિયા
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ‘ઓપરેશન મહાદેવ દરમિયાન જપ્ત કરવામાં આવેલા હથિયારો અને અન્ય વસ્તુઓનું વિશ્લેષણ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે, કટારિયાએ આતંકવાદીઓને આવવા જવામાં તેમજ તેમને મદદ અને સુવિધા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.’ અધિકારીઓએ આ ઘટનાક્રમને દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક સામે એક મોટી સફળતા ગણાવી હતી.
કટારિયાના સહયોગીઓની ઓળખવા અને લશ્કર-એ-તૈયબા (TRF) નેટવર્કને તોડી પાડવા માટે આગળની તપાસ ચાલી રહી છે. પોલીસે આતંકવાદી મોડ્યુલોને નષ્ટ કરવા તેમજ જમ્મુ- કાશ્મીરમાં શાંતિ સ્થાપવાની કામગીરી વધુ તીવ્ર બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
કટારિયા પહલગામમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો
મોહમ્મદ યુસુફ કટારિયા પહલગામમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો અને સ્થાનિક બાળકોને ભણાવતો હતો. થોડા મહિના પહેલા તે આતંકવાદીઓના સંપર્કમાં આવ્યો અને તેમને મદદ કરવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: VIDEO : લદાખમાં હિંસા બાદ સરકારની કડક કાર્યવાહી, આંદોલન-વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ
ઓપરેશન મહાદેવ હેઠળ આતંકવાદીઓની હત્યા
પહલગામના બેસરનની ખીણમાં 22 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને ધર્મ પૂછીને હત્યા કરી દીધી. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન TRF એ હુમલાની જવાબદારી સ્વીકારી. આ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. એ પછી 28 જુલાઈના રોજ, ઓપરેશન મહાદેવ હેઠળ સેનાએ હુમલામાં સામેલ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.