Gold Price All Time High: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાતોના કારણે કિંમતી ધાતુમાં તેજીનો જુવાળ જોવા મળ્યો છે. સોના-ચાંદીના ભાવ સતત નવી રેકોર્ડ ટોચ નોંધાવાની સાથે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું માર્ચ મહિનામાં રૂ. 5500 પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. વૈશ્વિક બુલિયન બજારમાં વર્ષ 1986 બાદ સોનામાં આકર્ષક તેજી જોવા મળી છે.
ટ્રમ્પે કાર પર 25 ટકા ટેરિફ લાદવાની સાથે એપ્રિલમાં રેસિપ્રોકલ ટેરિફ લાદવાની મક્કમતા દર્શાવતાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ વધી છે. અમેરિકામાં ફુગાવાના અંદાજ સામે ડોલર ઈન્ડેક્સ પણ તૂટ્યો છે. આ અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે. સેન્ટ્રલ બેન્કો પણ મોટાપાયે સોનાની ખરીદી નોંધાવી રહી હોવાથી સોનાના ભાવ રોજ નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યા છે.
અમદાવાદમાં સોનું રૂ. 800 ઉછળ્યું
વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે સોના-ચાંદીની ખરીદી સતત વધી રહી છે. અમદાવાદમાં સોનું આજે વધુ રૂ. 800 ઉછળી નવી રૂ. 93500 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. ચાંદી પણ રૂ. 1,00,000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે, ચાંદીની કિંમત બે દિવસ પહેલાં 28 માર્ચે 1,01,000 પ્રતિ કિગ્રાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી.
આ પણ વાંચોઃ એક-બે નહીં 15 દિવસ સુધી રહે છે સૂર્ય ગ્રહણની અસર, આ બે બાબતોનું તો ખાસ ધ્યાન રાખવું
માર્ચમાં સોનું રૂ. 5500 મોંઘું
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે અમદાવાદ બજારમાં સોનું માર્ચ માસમાં રૂ. 5500 પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયુ છે. જેનો ભાવ 28 ફેબ્રુઆરીએ રૂ. 88000 પ્રતિ 10 ગ્રામ હતો. જે આજે રૂ. 93500 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં કોમોડિટી નિષ્ણાતોએ સોનું આગામી ત્રણ માસમાં રૂ. 1,00,000 પ્રતિ 10 ગ્રામની સપાટી વટાવે તેવો અંદાજ આપ્યો છે. નોંધ લેવી કે, આજે રમઝાન ઈદ હોવાથી એમસીએક્સ સોના-ચાંદી બજાર બંધ છે.