Panchmahal News: નવા તાલુકાની જાહેરાત સરકાર માટે માથાનો દુઃખાવો બની છે. કારણ કે વધુ એક જિલ્લાના 10 ગામના લોકોએ પોતાના ગામનો અન્ય તાલુકામાં સમાવેશ કરવા મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામનો સમાવેશ નવા રચાયેલા ગોધર તાલુકામાં કરવામાં આવતા, તમામ 10 ગામના લોકોમાં ભારે રોષે ભરાયા હતા. આ નિર્ણયના વિરોધમાં 10 ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ આજે ગુરુવારે શહેરા ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને બાદમાં જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, બાતમીના આધારે SOGના દરોડા, એકની ધરપકડ
10 ગામોને શહેરામાં જ રહેવું છે
પાનમ ડેમ વિસ્તારના બોરીયા, ચારી, મોર, ઉંડારા, ખૂટકર, કોઠા, આસુંદરિયા, અને જૂના ખેડા સહિતના ગામોના લોકોએ ભેગા મળીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે તેમના ગામોનો સમાવેશ શહેરા તાલુકામાં જ યથાવત્ રાખવામાં આવે.
‘શહેરા નજીક પડે છે, ગોધરનો સમાવેશ રદ કરો’
ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, શહેરા તાલુકો તેમના માટે નજીક પડે છે, જેના કારણે ગામોનો વિકાસ સરળતાથી થઈ રહ્યો છે. સરકારી કચેરીઓ નજીક હોવાના કારણે વહીવટી કામકાજમાં સરળતા રહે છે. જો ગોધર તાલુકામાં સમાવેશ થાય તો લોકોને સરકારી કચેરીઓ અને અન્ય સુવિધાઓ માટે લાંબુ અંતર કાપવું પડેશે.
આ પણ વાંચોઃ કાલાવડમાં મહિલા PI અને એડવોકેટ વચ્ચેની રકઝકનો વીડિયો વાઈરલ, પોલીસની કામગીરી પર સવાલ
આ ઉપરાંત, આ ફેરફારથી શૈક્ષણિક સમસ્યાઓ ઊભી થવાની પણ ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. 10 ગામના લોકોએ શહેરા તાલુકામાં રહેવાની પોતાની મજબૂત માંગણી દોહરાવી છે અને આ બાબતે યોગ્ય વિચારણા કરી નિર્ણય બદલવા માટે કલેક્ટરને વિનંતી કરી છે.