Dahod News: દાહોદ જિલ્લાના ફતેપુરામાં આવેલી જ્ઞાનશક્તિ રેસીડેન્સી સહજાનંદ સ્કૂલમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થિની ધર્મિષ્ઠા ભાભોરનું અચાનક તબિયત લથડ્યા બાદ મોત થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર શાળા અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધર્મિષ્ઠા શાળામાં હતી ત્યારે તેની તબિયત અચાનક બગડી હતી. શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ અવસાન થયું હતું.
વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ તેના પરિવારજનોએ તત્કાલ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ધર્મિષ્ઠાનું મોત કયા કારણોસર થયું તે જાણવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓએ આ સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરી છે જેથી મૃત્યુનું સાચું કારણ બહાર આવી શકે. આ કરુણ ઘટનાથી ધર્મિષ્ઠાના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.