![]()
મનપા તંત્રના બદલે ધારાસભ્યે જાહેરાત કરતા આશ્ચર્ય રહેણાંક મિલકતમાં રૂા. 1000, બિન રહેણાંકમાં રૂા. 700ની રાહત : જામનગર અને જૂનાગઢની સરખામણીએ વેરો ઓછો હોવાનો દાવો
પોરબંદર, : પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું અને નવા આવેલા અધિકારીઓએ આડેધડ તોતિંગ વેરા ઝીંકી દીધા હતા. જેની સામે જાગૃત નાગરિકોએ આંદોલન ચલાવ્યું હતું અને હજારો વાંધા અરજીઓ કરાવી હતી. જેથી ત્રણેક મહિના પહેલા ધારાસભ્યએ વેરા વધારા મોકૂફીની જાહેરાત કરી હતી, ત્યાર બાદ હવે આજે ગુરૂવારે ધારાસભ્યે જ વિવાદિત વેરા વધારો હતો તેમાં 83 ટકા ઘટાડો થયો હોવાનું જાહેર કર્યું છે. જોકે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ જ વિગત જાહેર કરવામાં આવી નથી તેથી આશ્ચર્ય ફેલાયું છે !
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આજે ભાજપ કાર્યાલય ખાતે વેરા ઘટાડા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી જાહેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પોરબંદર-છાયા પાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા વ્યાજબી ન હોવાની લોક રજૂઆત આવી હતી., જે અનુસંધાને કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો.મનસુખ માંડવિયાએ પોરબંદર મહાનગરપાલિકાને સૂચના આપીને વેરા વધારો મોકૂફ રાખ્યો હતો. હવે નિર્ણય લઈને એકંદરે રહેણાંક મિલકતમાં કુલ રૂા. 1000ની રાહત આપી છે. જે અગાઉ કરેલ વધારામાં 83 ટકા જેટલી રાહત છે. એકંદરે બિન રહેણાંક મિલ્કતમાં સામાન્ય રાહત રૂા. 700ની આપવામાં આવી છે, અગાઉ કરેલ વધારામાં 63 ટકા જેટલી રાહત છે. આ ઉપરાંત બિન રહેણાક મિલકતોમાં ખાસ સફાઈ અને ખાસ ગટર વેરામાં પણ નોંધપાત્ર રાહત આપવામાં આવી છે.
પાણીવેરો, સફાઈ વેરો, સ્ટ્રીટલાઈટ વેરામાં 2007 બાદ 2019-20માં માત્ર ગટરવેરામાં વધારો કરવામાં આવેલ, જેથી હાલ 2025માં ભાવવધારો કરવામાં આવતા લોકોમાં મુંઝવણ ઊભી થઈ હતી. એકંદરે રહેણાકમાં વધારો 200 રૂપિયા છે, જે રોજના ઘર દીઠ 55 પૈસા થાય છે, એકંદરે બિનરહેણાકમાં સામાન્ય વધારો 400 રૂપિયા છે જે મિલકત દીઠ રોજનો 1.10 પૈસા જેટલો થાય છે. જે વધારામાંથી ધાર્મિક સ્થળોને સંપૂર્ણ રાહત આપવામાં આવી છે. અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાને 50 ટકા રાહત આપી છે. બે વર્ષ કે તેથી વધુ સમયથી બંધ બિનરહેણાંક મિલકતોને ખાસ સફાઈ વેરો અને ખાસ ગટરવેરામાંથી મુક્તિ આપી છે. વળી જામનગર અન જૂનાગઢ મહાનગરપાલિકા સાથે કરવામાં આવે તો તે હાલનો પોરબંદર મહાનગરપાલિકાનો વેરા વધારો ખૂબ જ નજીવો છે.










