Surat News: દિવાળીના તહેવારો પહેલા જ સુરતના હીરા ઉદ્યોગમાં મોટો આંચકો લાગ્યો છે. લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલી જાણીતી કંપની ‘ડાયમટેક’ દ્વારા અંદાજે 50 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવવામાં આવતા હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડાયમટેક હીરા કંપનીના માલિક પિતા-પુત્રએ આ કૌભાંડ આચર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આરોપી પિતા-પુત્રએ આઠ દિવસ પહેલા જ, નવરાત્રીના પ્રથમ નોરતે સોનાણી જ્વેલર્સ નામની નવી દુકાનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું, જેનાથી ઘણા લોકો છેતરાયા છે. રફ હીરાના વેપારી અને જૂસકો જનરલ ટ્રેડિંગ કંપનીના ડાયરેક્ટર અંકુશ મધુભાઈ નાકરાણીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.
તેમણે જણાવ્યું કે, વર્ષ 2021માં તેમની મુલાકાત ડાયમટેક કંપનીના ડાયરેક્ટર જયમ મહેશ સોનાણી, તેના ભાઈ અગત્સ્ય અને પિતા મહેશભાઈ સાથે થઈ હતી. જયમ સોનાણીએ તેમને કહ્યું હતું કે તેમની પાસે અત્યાધુનિક ટેકનોલોજી છે, જેના દ્વારા પ્રતિ સિસ્ટમ દર મહિને 150 કેરેટ રફ હીરાનું ઉત્પાદન થઈ શકે છે. આ ટેકનોલોજીમાં રોકાણ કરવાથી ઊંચો નફો થશે તેવી લાલચ આપી હતી.
હીરા ઉત્પાદન માટે 42 ડોલર પ્રતિ કેરેટનો ખર્ચ નક્કી થયો
સોનાણીએ અંકુશ નાકરાણીને જણાવ્યું કે, આ સિસ્ટમમાં હીરાનું ઉત્પાદન કરવા માટે પ્રતિ સિસ્ટમ દીઠ રૂ. 2.10 કરોડનું રોકાણ કરવું પડશે. સિસ્ટમમાં ઉત્પાદન થતા રફ હીરાનો ઉત્પાદન ખર્ચ પ્રતિ કેરેટ 42 ડોલર નક્કી કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમમાં ઉત્પાદન થતા હીરામાંથી 1250 કેરેટ દર મહિને પ્રતિ સિસ્ટમ અંકુશ નાકરાણીને આપવાના હતા અને બાકીના હીરા સોનાણી પોતાની પાસે રાખવાના હતા.
વેપારીએ રૂ. 23.35 કરોડનો માલ આપ્યો
સોનાણીની આ દરખાસ્ત યોગ્ય લાગતા અંકુશ નાકરાણીએ શરૂઆતમાં ડાયમટેકના બે બેંક ખાતામાં રૂ. 2.34 કરોડનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ 23 ફેબ્રુઆરી, 2022ના રોજ 5 સિસ્ટમ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) કરવામાં આવ્યું હતું, જે પાછળથી 16 સિસ્ટમમાં રૂપાંતરિત થયું. સોનાણીએ અમેરિકાની સિગ્નેટ કંપની આ હીરા ખરીદવા માગે છે એમ કહી અંકુશ નાકરાણીનો વિશ્વાસ જીત્યો હતો. આ ડીલના ભાગરૂપે અંકુશ નાકરાણીએ સોનાણીને કુલ રૂ. 23.35 કરોડનો માલ આપ્યો હતો, પરંતુ બાદમાં સોનાણી પિતા-પુત્રોએ અંકુશ નાકરાણીને કોઈ માલ કે નાણાં પરત ન આપતા આખરે તેમણે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
હાલ આર્થિક મંદીના માહોલ વચ્ચે આ પ્રકારના મોટા ઉઠમણાએ હીરા ઉદ્યોગમાં વધુ અસ્થિરતા ઊભી કરી છે. વેપારીઓ અને ઉદ્યોગકારોમાં હવે આ પ્રકારના કૌભાંડોને કારણે આર્થિક નુકસાનની સાથે વિશ્વાસની કટોકટી પણ ઊભી થઈ છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.