વડોદરા,ફતેપુરા ભાંડવાડા વિસ્તારમાં આવેલા પ્રોવિઝન સ્ટોરમાંથી કુંભારવાડા પોલીસે બે તલવાર કબજે કરી છે.
આગામી રામનવમીના તહેવારને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ તથા ચેકિંગ શરૃ કરવામાં આવ્યું છે. દરમિયાન કુંભારવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફને માહિતી મળી હતી કે, ભાંડવાડા રહેમતનગર ખાતે ખ્વાજા પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં વાહીદ પઠાણે હથિયારો રાખ્યા છે. જેથી, પી.આઇ. એ.જે.પાંડવની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરતા પ્રોવિઝન સ્ટોરમાંથી બે તલવાર મળી આવી હતી. દુકાનદાર વાહિદ કલીમખાન પઠાણ ઉં.વ.૨૦ (રહે. તસ્કંદ બિલ્ડિંગ, ભાંડવાડા) એ જાહેરમાં જાનહાનિ કરવાના ઇરાદે તલવારો રાખી હોવાનું જણાઇ આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
જ્યારે આજે પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી માંડવી, લહેરીપુરા, ચાંપાનેર દરવાજા, પાંજરીગર મહોલ્લો વિસ્તારમાં સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.