વડોદરા, તા.3 ટ્રેનમાં ઊંઘતા પ્રવાસીઓનો કિંમતી સામાન ઉઠાવતા બે ચોરની પાસા હેઠળ અટકાયત કરીને જિલ્લા બહારની જેલોમાં મોકલી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતાં મુસાફરોની ઊંઘનો લાભ ઉઠાવી કિંમતી સામાનની ચોરી કરતા બે શખ્સો સરવન ઉર્ફે બ્રજેશ ઉર્ફે સોનલ ઉર્ફે શ્યામસિંગ શ્રી સ્વામી દયાલ (રહે.કાશ્મીરી માર્કેટ, કનોટ પ્લેસ, દિલ્હી, મૂળ ઉત્તર પ્રદેશ) તેમજ ઉદેશ ઉર્ફે સુનિલ ઉર્ફે કમલેશ જાનકીદાસ ઉર્ફે કેસરી પ્રસાદ ચમર (રહે.સુભાષપાર્ક, ન્યુ સહાદરા, દિલ્હી, મૂળ ઉત્તર પ્રદેશ)ની રેલવે પોલીસે ધરપકડ કરી હતી.
બંને પાસેથી અનેક ચોરીના ભેદ ખૂલ્યા હતાં. દરમિયાન રેલવે પોલીસ અધિક્ષકની સૂચનાથી બંનેની વિરુધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. બંને ચોરો જેલમાંથી છૂટતાં જ બંનેની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. સરવરનને રાજકોટ તેમજ ઉદેશને જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી દેવાયા હતાં.