વડોદરા,હરિયાણાના બે ગઠિયા દ્વારા કારનો સોદો કરી ૧.૨૮ લાખ પડાવી લઇ કાર લઇને ભાગવાની કોશિશ કરી હતી. પાલનપુર તાલુકા પોલીસે અમીરગઢ બોર્ડર પાસેથી એક આરોપીને કાર સાથે ઝડપી પાડયો હતો.
મકરપુરા રોડ ડેરી ત્રણ રસ્તા પાસે સૌજન્ય સોસાયટીની પાછળ ગાયકવાડની ચાલીમાં રહેતા ગૌરવસિંહ ખુમાનસિંહ પરમારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વિકાસકુમાર સુરેન્દ્રસિંગ આહિર (રહે. ભુસનકલા,તા. નારનોલ, જિ. મહેન્દ્રગઢ,હરિયાણા) સાથે ત્રણ વર્ષ પહેલા સંપર્ક થતા તેણે મને કહ્યું હતું કે, હું ગાડી લે – વેચનો ધંધો કરૃં છું. ઓગસ્ટ – ૨૦૨૫ માં વિકાસ આહિરે મને જણાવ્યું હતું કે, એક કાર લઇને અમે વડોદરા આવીએ છે. તમારે ગાડી જોવી હોય તો આવજો. વિકાસ આહિર અને પ્રદિપ આહીર ગાડી લઇને કલોલ આવ્યા હતા. મેં કલોલ જઇને ગાડી જોયા પછી ૧.૫૧ લાખ કિંમત નક્કી કરવામાં આવી હતી. મેંે ગાડી પેટે ૧.૨૮ લાખ આપી દીધા હતા. રૃપિયા લઇને વિકાસ આહિર જતો રહ્યો હતો અને તેનો મોબાઇલ પણ બંધ કરી દીધો હતો. ત્યારબાદ પ્રદિપ મને વિકાસને મળવાનું કહી ગાંધીનગર,મહેસાણા અને પાલનપુર લઇ ગયો હતો. પાલનપુર હાઇવે પહોંચ્યા પછી પ્રદિપે એક હોટલ પર ગાડી ઉભી રાખી હતી અને ચા પીધા પછી તે ગાડી લઇને ભાગ્યો હતો. મેંં પોલીસને કોલ કરી ગાડીની વિગતો આપતા પોલીસે પ્રદિપને અમીરગઢ બોર્ડર પરથી ઝડપી પાડયો હતો. કાર સાથે પ્રદિપને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. પોલીસે વડોદરામાં ફરિયાદ કરવાનું કહેતા હું ફરિયાદ કરવા આવ્યો છું.