![]()
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ રેકોર્ડ તેજી આગળ વધી હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૭૫૧થી ૩૭૫૨ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૩૭૮૨થી ૩૭૮૩ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૩૭૫૯થી ૩૭૬૦ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.
વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી ફરી વધ્યાના નિર્દેશો હતા. વિશ્વબજાર વધતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં દેશના ઝવેરીબજારોમાં આજે ઐતિહાસિક તેજી આગળ વધી હતી.
દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૧૭૯૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૧૮૨૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઝડપી રૂ.૫૦૦૦ ઉછળી રૂ.૧૪૫૦૦૦ બોલાતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૪૫.૧૩થી ૪૫.૧૪ વાળા વધી ઉંચામાં ભાવ ૪૬ ડોલરની સપાટી પાર કરી ૪૬.૬૨થી ૪૬.૬૩ સુધી ઉછળી છેલ્લે ભાવ ૪૬.૦૮થી ૪૬.૦૯ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમેરિકામાં ફુગાવાનો દર અપેક્ષા મુજબ આવતાં ત્યાં હવે ઓક્ટોબર તથા ડિસેમ્બરમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની અપેક્ષા વચ્ચે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટાડા પર રહ્યો હતો.
ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૦.૩૮ ટકા ઘટી નીચામાં ૯૮.૧૩ થઈ છેલ્લે ૯૮.૧૮ રહ્યો હતો. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૮૮.૭૩થી ૮૮.૭૪ આસપાસ શાંત હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ વધી ૧૨ વર્ષની ટોચે પહોંચ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૩૯થી ૧૫૪૦ વાળા વધી ૧૫૮૬ થઈ છેલ્લે ભાવ ૧૫૮૦થી ૧૫૮૧ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૨૫૫થી ૧૨૫૬ વાળા વધી ૧૨૮૫ થઈ છેલ્લે ભાવ ૧૨૬૫થી ૧૨૬૬ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ વધી છેલ્લે ૦.૨૮ ટકા પ્લસમાં રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધતાં વૈશ્વિક સોનામાં તેજીને પીછબળ મળ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૯.૪૬ વાળા વધી ૭૦.૭૬ ડોલર થઈ છેલ્લે ભાવ ૭૦.૧૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૬૬.૪૨ થઈ છેલ્લે ભાવ ૬૫.૭૨ ડોલર રહ્યા હતા. ચીનમાં સોલાર- સેલ્સમાં ચાંદીની માગ વધી રહ્યાના સંકેતો મળ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૧૨૮૦ વાળા રૂ.૧૧૩૪૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના રૂ.૧૧૩૨૬૨ વળા વધી રૂ.૧૧૩૮૫૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૩૮૧૦૦ વાળા રૂ.૧૪૨૦૦૦ બોલાય હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, ભારત દ્વારા રશિયાથી ક્રૂડતેલની આયાતનો અમેરિકા દ્વારા વિરોધ કરાતાં ઈરાન તથા વેનેઝુએલાથી ક્રૂડતેલની આયાત કરવાની છૂટ આપો એવી રજૂઆત ભારતે અમેરિકાને કર્યાના વાવડ મળ્યા હતા.










