દાઠા પોલીસ સ્ટેશનમાં જેસરના શખ્સ સામે નોંધાઈ હતી ફરિયાદ
પોલીસથી બચવા માટે નામ બદલીને અલગ-અલગ સ્થળે છૂપાયો હોવાની કબૂલાત
ભાવનગર: મહુવા તાબેના દાઠા પોલીસ સ્ટેશનમાં ૧૫ વર્ષ પૂર્વે બનેલાં બળાત્કારના ગુનામાં ફરાર થયા બાદ નામ બદલીને સાધુનો વેશ ધારણ કરી અલગ-અલગ સ્થળોએ રહેતાં નરાધમને ભાવનગર એલસીબીએ ઝડપી પાડયો હતો.
બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૧૦માં જેસરના ઈટીયા ગામે રહેતાં રાજુ ઉર્ફે ભગવાનદાસ માણસુરભાઈ બોદર સામે બળાત્કારની કલમ-૩૭૬ અન્વયે ગુનો નોંધાયો હતો. જો કે, ગુન્હો નોંધાયા બાદ આરોપી પોલીસ પક્કડથી દૂર રહી સતત નાસતો ફરતો હતો. દરમિયાનમાં ભાવનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, ઉક્ત ગંભીર ગુન્હામાં ૧૫ વર્ષથી નાસતો ફરતો ગુનેગાર ભાવનગર- મહુવા હાઈ વે પર બોરડા ગામ નજીક ઉભો છે. પોલીસે બાતમીના આધારે સફેદ ધોતી પહેરેલાં સાધુ વેષમાં ઉભેલાં એક શખ્સની શંકાના આધારે પૂછપરછ કરી હતી, જેમાં તે ભાંગી પડયો હતો. અને ગુનો નોંધાયા બાદ પોલીસથી બચવા નામ બદલીને સાધુ વેષ ધારણ કરી અલગ-અલગ સ્થલોએ છૂપાઈને રહેતો હતો. પોલીસે તેને ઝપી ૧૫ વર્ષ જુના ગુનાનો ભેદ ઉક્લેયો હતો.