ખેડા તાલુકાના રઢુ ગામમાં ભૂમાફિયાઓએ
નદીના વહેણને અવરોધીને પુલ બનાવ્યો હતો : તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સરપંચની રજૂઆત બાદ ભૂમાફિયાઓ સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી
નડિયાદ: ખેડા તાલુકાના રઢુ ગામમાં મામલતદાર અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી વાત્રક નદી પર બનાવેલો ગેરકાયદેસર બ્રિજ તોડી નાખ્યો છે. આ કાર્યવાહીના કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
ખેડા જીલ્લાના ખેડા તાલુકાના રઢુ ગામમાં મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી કરી છે. બંને વિભાગોએે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રઢુ નજીક વાત્રક નદી પર બનાવાયેલો ગેરકાયદેસર બ્રિજ તોડી નાખ્યો છે. અત્રે ૧૫ નંગ પાઈપોના ગેરકાયદેસર બ્રિજ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યુ છે. ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી વાત્રક નદી પરથી તેનુ વહન કરવા આ ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો હતો. જે બ્રિજ રઢુ ગામથી મહેલજ ગામની સીમને જોડતો હતો, તેમજ આ બ્રિજ નદીના વહેણને અવરોધીને બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ રઢુ ગામના સરપંચે તાલુકા સ્વાગત કાર્યક્રમમા રજુઆત કરી હતી, જે બાદ જીઘસ્ દ્વારા સ્થળ વિઝિટ કરવા સૂચના અપાઈ હતી. આજે મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જોઈન્ટ વિઝીટ કરતા ગેરકાયદેસર બ્રિજ મળી આવ્યો હતો. આ મામલે અમે કલેકટરને રજુઆત કરી હતી. જે બાદ કલેકટર દ્વારા તાત્કાલિક ગેરકાયદેસર બ્રિજ તોડી પાડવા આદેશ કરાયો હતો. જેના પગલે આ બ્રિજનું અધિકારીઓએ ડિમોલેશન કર્યુ છે.
– બ્રીજ કોણે બનાવ્યો અને ક્યારથી છે તે મુદ્દે તંત્ર જ અજાણ
ગેરકાયદેસર બ્રીજ મુદ્દે ખેડા મામતલદાર જે.કે ખસીયાએ જણાવ્યુ હતું કે રઢુ ગામના સરપંચ,ગામના આગેવાનો, ખેડૂતો, ખાણ ખનીજ વિભાગ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમ, મામલતદાર, ખેડા ટાઉન રઢુ આઉટ પોસ્ટ પોલીસ સાથે મળીને આજે કાર્યવાહી કરાઈ હતી. સવારથી પ્રયાસ કરવા છતાં પણ આજુબાજુ કોઈના પણ દ્વારા ગેરકાયદેસર પુલ કોણે બનાવ્યો તે અંગે માહિતી મળી નથી પરંતુ આ પુલ સંપૂર્ણ તોડી ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળ વધુ તપાસ કાર્યવાહી હાથ ધરાશે. ખાણ ખનીજ વિભાગ ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે.
– બેફામ બનેલા ખનન માફિયાઓ સામે કડક પગલાં જરૂરી : સરપંચ
આ મુદ્દે રઢુ ગામના સરપંચ અજિતસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે આવા બેફામ ખનીજ માફિયાઓ ઉપર સો ટકા સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. મારી તાલુકા સ્વાગત કાર્યક્રમમા કરેલ અરજીના ભાગરૂપે અધિકારીઓએ આ કાર્યવાહી કરી તે બદલ તંત્રનો આભાર માનુ છુ.