અમદાવાદ : પેટ્રોલ વાહનોના માલિકો હવે E૨૦ પેટ્રોલ વિશે ચિંતિત છે. અહેવાલો અને સર્વેક્ષણોમાં જાણવા મળ્યું છે કે E૨૦ પેટ્રોલ આવ્યા પછી, ઘણા વાહનોનું માઇલેજ ઘટયું છે અને તેમને વધુ જાળવણીની જરૂર છે. ખાસ કરીને જે વાહનો ૨૦૨૨માં અથવા તે પહેલાં ખરીદવામાં આવ્યા હતા, તેમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે.
લોકલસર્કલ સર્વેમાં ૩૭,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આમાં, ૨૮% લોકોએ કહ્યું હતું કે ૨૦૨૫માં E૨૦ પેટ્રોલનો ઉપયોગ કર્યા પછી, તેમના વાહનોમાં અસામાન્ય ઘસારો થયો હતો અથવા તેમને સમારકામની જરૂર હતી.
લગભગ બે તૃતીયાંશ લોકોએ કહ્યું કે તેમની માઇલેજ પહેલાની તુલનામાં ઘટી ગઈ છે. ૫૨% લોકોએ કહ્યું કે જો તે ૨૦% સસ્તું અને વૈકલ્પિક હોય તો તેઓ E૨૦ પેટ્રોલનો ઉપયોગ કરશે. સર્વેમાં સામેલ ૪૨% લોકો ટાયર-૧ શહેરોમાંથી, ૩૦% ટાયર-૨ શહેરોમાંથી અને ૨૮% નાના શહેરો અને ગામડાઓમાંથી હતા.
E૨૦ પેટ્રોલમાં ૨૦% ઇથેનોલ અને ૮૦% પેટ્રોલ હોય છે. આ ઇંધણ પર્યાવરણ માટે સારું છે અને તેલની આયાત ઘટાડે છે. પરંતુ જૂના વાહનો, જે E૧૦ પેટ્રોલ માટે બનાવવામાં આવે છે, તેમાં માઇલેજમાં ૫-૭% ઘટાડો અને વાહનના કેટલાક ભાગો પર વધુ ઘસારો જોવા મળી શકે છે. નવા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો E૨૦ સરળતાથી ચલાવી શકે છે.
કેટલીક કંપનીઓએ ચેતવણી આપી છે કે જૂના વાહનો E૨૦ માટે સંપૂર્ણપણે સલામત નથી. પેટ્રોલિયમ મંત્રાલયે પણ કહ્યું કે ઘણા નવા વાહનો E૨૦ માટે પહેલાથી જ તૈયાર છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
સરકાર ભલે કહી રહી છે કે બધું બરાબર છે, પરંતુ લોકો હજુ પણ ચિંતિત છે. ઓટોમોબાઈલ કંપનીઓએ કહ્યું છે કે E૨૦ પેટ્રોલ માટે વાહનોમાં કેટલાક ફેરફારો જરૂરી છે. આમાં એન્જિન સીલ, ગાસ્કેટ અને ફ્યુઅલ લાઇનને મજબૂત બનાવવા, એન્જિન કંટ્રોલ સિસ્ટમને સુધારવા અને ફ્યુઅલ સેન્સરને ઠીક કરવાનો સમાવેશ થાય છે.