PM Modi Writes Foreword for Giorgia Meloni’s Autobiography : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથાના ભારતીય સંસ્કરણ માટે પ્રસ્તાવના લખી આપી છે. ‘આઈ એમ જ્યોર્જિયા: માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ’ નામનું આ આત્મકથાત્મક પુસ્તક ભારતમાં રૂપા પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત કરાયું છે. પીએમ મોદીએ જણાવ્યું છે કે, આ પુસ્તક વાચકોને ઇટાલિયન નેતાના મન અને હૃદયની ઝલક પૂરી પાડે છે. તેમણે આ પુસ્તકને જ્યોર્જિયાની ‘મન કી બાત’ કહી છે.
રાજકારણથી જુદી જીવનયાત્રા
પીએમ મોદીએ તેમની પ્રસ્તાવનામાં ભારપૂર્વક લખ્યું છે કે, ‘જ્યોર્જિયા મેલોનીનું જીવન ક્યારેય રાજકીય સત્તા અથવા પદની લાલસા માટે નહોતું. તેમનું જીવન ઇટાલીના નાગરિકોની સેવા કરવાની ઊંડી પ્રતિબદ્ધતા ધરાવે છે.’ તેમણે આ પુસ્તકને ખૂબ જ ખાસ ગણાવતા લખ્યું છે કે, ‘જ્યોર્જિયા મેલોનીની જીવનયાત્રા એ માત્ર એક વ્યક્તિગત વાર્તા નથી, પણ તે સદીઓથી ચાલી આવતા સાર્વત્રિક આદર્શોનું પ્રતીક છે.’
શંકાઓને ખોટી સાબિત કરી સફળ થયાં
વડાપ્રધાન મોદીએ એ વાત ભારપૂર્વક જણાવી છે કે, ‘જ્યારે જ્યોર્જિયા મેલોનીએ વડાંપ્રધાન પદ સંભાળ્યું હતું ત્યારે મીડિયા અને રાજકીય નિરીક્ષકોના એક વર્ગે તેમની ક્ષમતા પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી. પરંતુ તેમણે એ શંકાઓને ખોટી સાબિત કરી દેકાડી. તેમણે ઇટાલીને સ્થિરતા પૂરી પાડી છે. તેઓ હંમેશાં વ્યવહારુ અભિગમ અપનાવીને વૈશ્વિક ભલાઈ માટે કાર્યરત રહ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય મંચો પર ઇટાલીના હિતોને સ્પષ્ટતાપૂર્વક રજૂ કર્યા છે.’
‘નારી શક્તિ’ સાથેનો આત્મીય સંબંધ
પીએમ મોદીએ જ્યોર્જિયા મેલોનીના વ્યક્તિત્વ અને ભારતીય દર્શનમાં વર્ણવેલી ‘નારી શક્તિ’ની વિભાવના વચ્ચે એક સુંદર સામ્યતા જોઈ છે. તેમણે લખ્યું છે કે, ‘જ્યોર્જિયા મેલોનીની જીવનયાત્રા ભારતીય પરંપરામાં દર્શાવાયેલી નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. બંને વચ્ચે ગહન જોડાણ છે. વૈશ્વિક મંચ પર આત્મવિશ્વાસપૂર્વક નેતૃત્વ કરતી વખતે પણ તેઓ તેમના મૂળિયાં અને સિદ્ધાંતો સાથે મજબૂતીથી જોડાયેલાં રહ્યાં છે.’
ભારતીય મૂલ્યો સાથેની સામ્યતા
આ પુસ્તકની પ્રસ્તાવનામાં પીએમ મોદીએ એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો છે કે, ‘જ્યોર્જિયા મેલોનીની જીવનશૈલી અને વિચારસરણી ભારતીય વાચકો સાથે ગહન સંવાદિતા સાધે એમ છે. માતૃત્વ, રાષ્ટ્રીય ઓળખ અને પરંપરાનું સંરક્ષણ કરવાનો તેમનો હેતુ ભારતના લોકો સાથે તાદાત્મ્ય સાધશે. પોતાના સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવાનો તેમનો આગ્રહ આપણા દેશના મૂલ્યોને અનુરૂપ છે.’
ભારત-ઇટાલી મૈત્રીના મજબૂત આધારસ્તંભો
બંને દેશો વચ્ચેના સંબંધોને વ્યાખ્યાયિત કરતા પીએમ મોદીએ લખ્યું છે કે, ‘ભારત અને ઇટાલી વચ્ચેનું જોડાણ માત્ર સંધિઓ અથવા વેપારથી ક્યાંય વધુ ઊંડું છે. બંને દેશ વારસાનું રક્ષણ, સામુદાયિક શક્તિ અને સ્ત્રીત્વની ઉજવણી જેવી સમાન સંસ્કૃતિક વૃત્તિઓથી જોડાયેલા છે.’ તેમણે જણાવ્યું છે કે, તેમની અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની વ્યક્તિગત મિત્રતા પણ આ સંબંધોનો મજબૂત પાયો છે.
સોશિયલ મીડિયા પર ગુંજતી મૈત્રી
પીએમ મોદી અને પીએમ મેલોની વચ્ચેની મૈત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. બંને નેતાઓ વચ્ચેની દરેક મુલાકાત અને વાતચીત ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની જાય છે. તેઓ ઘણીવાર એકબીજા સાથેની સેલ્ફી અને વીડિયો શેર કરી તેમના સંબંધોનું પ્રદર્શન કરે છે, જેમાં જ્યોર્જિયા મેલોની દ્વારા શરૂ કરાયેલો હેશટેગ ‘મેલોડી’ ખૂબ જ વાઇરલ થયો હતો. આ વ્યક્તિગત મૈત્રીએ ભારત અને ઇટાલી વચ્ચેના રાજદ્વારી સંબંધોને પણ મજબૂત બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.