દરજીપુરા આરટીઓ કચેરી ખાતે સોમવારે સવારે વીજ પુરવઠો ખોરવાતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલા અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
રવિવારની રજા બાદ સોમવારે કચેરી શરૂ થતા જ ટુ વ્હીલર અને ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા અરજદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. સવારે 10:30 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાતા ટેસ્ટની પ્રક્રિયા સંપૂર્ણ રીતે અટકી ગઈ હતી, જેના કારણે અરજદારો લાંબા સમય સુધી રાહ જોઈ નારાજ થયા હતા. દરજીપુરા આરટીઓ કચેરી દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર અને આસપાસના ગામડાં માટે એકમાત્ર ટેસ્ટ ટ્રેક હોવાથી લોકો લાંબુ અંતર કાપીને અહીં પહોંચે છે. પરંતુ વારંવાર ટેકનિકલ ખામીઓ કે વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે ,બપોર બાદ વીજ પુરવઠો પુનઃસ્થાપિત થતા સિસ્ટમ ફરી કાર્યરત થઈ હતી. ત્યારબાદ કચેરીએ ઝડપથી કામગીરી હાથ ધરી અને સાંજ સુધીમાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર મળી કુલ 200 જેટલા ડ્રાઇવિંગ ટેસ્ટ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, અરજદારોને આવી પરેશાનીમાંથી મુક્ત કરવા ગુજરાત વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સ્થાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, નવી ટેકનોલોજીની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી હાલના સમયમાં ટેકનિકલ કારણોસર સર્જાતી ખામીઓથી અરજદારો અવારનવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.