![]()
દુર્ગા મહોત્સવની આજે પૂર્ણાહુતિ : સાંજે પ્રતિમા વિસર્જન વરસાદની આગાહી વચ્ચે કોડીનારમાં પુતળા દહનની સાથે શોભાયાત્રા : ધોરાજી-ખંભાળિયામાં રાવણ દહનના આયોજન
રાજકોટ, : આવતીકાલે વિજ્યાદશમીના મહાન પર્વ નિમિત્તે સૌરાષ્ટ્રમાં શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા છે તેમજ દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ થશે અને રાવણદહનના કાર્યક્રમો ધામધૂમથી યોજાયા છે. આ દિવસે ભગવાન શ્રી રામે અહંકારના પ્રતિક એવા રાવણનો વધ કર્યો હતો અને દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. અસત્ય ઉપર સત્યના, આસુરી તત્વો પર દૈવી તત્વોના, અહંકાર ઉપર નમ્રભાવના વિજયના આ પર્વની ઉજવણી લોકો ઘરે ઘરે જલેબી,ફાફડાં તેમજ વિવિધ મિઠાઈઓ આરોગીને કરશે.
સૌરાષ્ટ્રમાં (1) રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં વિહિપ દ્વારા સતત 28માં વર્ષે સાંજે 7 વાગ્યે આતશબાજી સાથે સૌરાષ્ટ્રનું સૌથી મોટુ રાવણનું 54 ફૂટનું પુતળુ તેમજ મેઘનાદ,કુંભકર્ણના 45- 45 ફૂટના પુતળાઓનું દહન થશે (2) કોડીનારમાં 45 ફૂટના રાવણનું આતશબાજી સાથે દહનની સાથે 30 જીવંત પાત્રો અને ફલોટ્સ સાથે 2 કિ.મી.લાંબી શોભાયાત્રા ધામધૂમથી નીકળશે. (3) જામનગરમાં 76 વર્ષની પરંપરા અન્વયે સિંધી સમાજ દ્વારા સાંજે 7 વાગ્યે પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાવણ સહિત ત્રણ અસુરોના પુતળાઓનું દહન ની સાથે રામસવારી શોભાયાત્રા નીકળશે. (4) ધોરાજીમાં સાંજે 6 વાગ્યે ભગવતસિંહજી બાપુના બાવલા પાસેના ચોકમાં હિન્દુ યુવક સંઘદ્વારા 25 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે. (5) ખંભાળિયામાં એકતા યુવક મંડળ અને સતવારા ગરબી મંડળ દ્વારા રાત્રે 10-30 વાગ્યે નગરગેઈટ વિસ્તારમાં શ્રીરામમ મંદિર ચોક ખાતે શ્રીરામનો વેશ ધરીને યુવાન દ્વારા રાવણનું દહન કરાશે.
રાજકોટમાં ગરાસિયા છાત્રાલયથી આશાપુરા માતાજીના મંદિર,પેલેસ રોડ સુધી પરંપરાગત રાજવીની આગેવાનીમાં શોભાયાત્રા બાદ પેલેસમાં શસ્ત્રપૂજન કરાશે. સૌરાષ્ટ્રમાં ગામેગામ શસ્ત્રપૂજનના કાર્યક્રમો સંસ્થા દ્વારા તથા ઘરે પણ યોજાશે. આવતીકાલે જામનગર,પોરબંદર,જુનાગઢ,મોરબી,દ્વારકા, કચ્છ જિ.માં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્સવો યોજાયા છે.










