![]()
– પૂર્વની અકવાડા, ચંદ્રમૌલી અને પશ્ચિમની સિદસર, મહાદેવનગર ચિત્રાની પસંદગી
– નગરપાલિકા દ્વારા રૂા. 29.30 લાખના ખર્ચે રમત ગમતના મેદાનો, રોડ, વોટર ફીલિંગ, ગાર્ડન વગેરે સુવિધા વધારાશે
ભાવનગર : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૬૯ પ્રા.શાળા પૈકી પૂર્વ અને પશ્ચિમની કુલ ચાર શાળાની ભૌતિક સુવિધા અદ્યતન બનાવવા મોડેલ સ્કૂલ તરીકે પસંદગી કરાઇ છે. આ ચારે શાળામાં રૂા.૨૯.૩૦ લાખના ખર્ચે રમત ગમતના મેદાનો, રોડ, વોટર ફીલિંગ, ગાર્ડનીંગ સહિતના કામો હાથ ધરાશે.
ભાવનગર શહેરી વિસ્તારની હદ વધવાની સાથે નગરપાલિકા શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ વધારો નોંધાતો જાય છે. અગાઉ નજીકના ગામોની ૧૧ શાળા ભળ્યા બાદ તા.૧ના રોજ નવા બંદર શાળા ભળતા શાળાની સંખ્યા ૬૯ થવા પામી છે. જે પ્રાથમિક શાળાઓની સુવિધા વધારવા બજેટ પણ વધતુ જાય છે. જ્યારે આ ૬૯ પૈકીની પૂર્વની બે અને પશ્ચિમની બે એમ ચાર પ્રા.શાળાને અદ્યતન સુવિધા યુક્ત આદર્શ શાળા બનાવવા કોર્પોરેશને બીડુ ઝડપ્યું છે. શાળા સંકુલમાં મેદાન સહિત વિશાળ જગ્યા તેમજ પર્યાપ્ત વિદ્યાર્થી સંખ્યા હોય તેવી શાળા પસંદગી માટે સમિતિ પાસેથી નામ મંગાવાયા હતા જેમાં પૂર્વ વિસ્તારમાં અકવાડા પ્રા.શાળા અને ચંદ્રમૌલી પ્રા.શાળા નં.૬૭ તેમજ પશ્ચિમ વિસ્તારમાં સિદસર પ્રાથમિક શાળા અને મહાદેવનગર ચિત્રા શાળા નં.૫૩નો સમાવેશ કર્યો છે. આ શાળાઓમાં નવો આરસીસી રોડ, કબડ્ડી-ખોખોનું મેદાન ડેવલોપ કરાશે. સ્કૂલના સંપૂર્ણ ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતું અટકાવવા ફીલિંગનું કામ તેમજ ગાર્ડનીંગનું કામ હાથ ધરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આળેલ છે જેની પાછળ ૨૯.૩૦ લાખથી વધુના ખર્ચની જોગવાઇ થઇ હોવાની જણાવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ ચાર શાળાને મોડેલ શાળા બનાવવા આજે ખાતમુહૂર્ત પણ કરાયું હતું.










