અમદાવાદ,સોમવાર
લાંભા ખાતે આવેલા બળિયાદેવ મંદિરમાં લૂંટારુ મહિલા ગેંગનો આતંક વધી રહ્યો છે. જેમાં સાત દિવસમાં આણંદ ખાતે રહેતી બે મહિલાના સોનાની રૃા.૧.૭૦ લાખની ચેઇન લૂંટી લીધી હતી. મોંઢે દુપટ્ટો બાંધેલી ત્રણ મહિલા ભીડનો લાભ ઉઠાવીને દાગીના લૂંટી રહી છે. આ બનાવ અંગે નારોલ પોલીસે બે બનાવમાં કુલ છ મહિલા સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આણંદમાં રહેતી બે મહિલા પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા આવી હતી મોંઢે દુપટ્ટો બાંધેલી મહિલા ગેંગ બન્ને મહિલાની સોનાની ચેઇન તોડી ફરાર
આણંદ પાસે રહેતી મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા.૫ના રોજ પરિવાર સાથે લાંભા બળિયાદેવ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને મંદિરમાં મહિલાઓની લાઇનમાં ઉભા હતા ત્યારે ત્રણ અજાણી મહિલાઓ મોંઢે તથા માથે દુપટ્ટો રાખીને ભીડમાં ધક્કા મૂકી કરતા હતા. ફરિયાદી મહિલા દાન પેટીમાં પૈસા મૂકવા માટે ગયા ત્યારે અજાણી મહિલા તેમના ગળામાં પહેરેલી રૃા. ૧ લાખની સોનાની ચેઇન લૂંટી લીધી હતી.
બીજા બનાવમાં આણંદ પાસે રહેતી મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગત તા. ૨૮-૦૯-૨૫ ના રોજ સવારે રોજ પરિવાર સાથે લાંભા બળિયાદેવ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા એક હાથે વૃદ્ધ સાસુનો હાથ પકડેલો હતો અને બીજા હાથમાં દીકરાનો હાથ પકડેલો હતો અને મંદિરમાં મહિલાઓની લાઇનમાં ઉભા હતા ત્યારે ત્રણ અજાણી મહિલાઓ મોંઢે તથા માથે દુપટ્ટો રાખીને ભીડમાં ધક્કા મૂકી કરતા હતા. ફરિયાદી ત્યારે અજાણી મહિલાઓને દૂર ઉભા રહેવાનું કહ્યું હતું છતાં ભીડમાં તેમના ગળામાં પહેરેલી રૃા. ૭૦ હજારની સોનાની ચેઇન તોડીને નાસી ગયા હતા.










