જામનગર, મોરબી જિલ્લામાં અપમૃત્યુના 4 બનાવો : તરસાઇમાં થ્રેસર મશીનમાં આવી જતાં શ્રમિકનો ભોગ લેવાયો: રાતાવીરડા ગામે તળાવડાંમાં યુવાન ડૂબ્યો: વાંકાનેરમાં કલરકામ કરતી વખતે પટકાતા યુવાને જીવ ગુમાવ્યો
જામનગર, : જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આજે સવારે કડિયા કામની મજૂરી દરમિયાન એક શ્રમિક યુવાનને ઉપરથી પસાર થતા વીજ તારમાંથી એકાએક વીજ આંચકો લાગતા બીજા માળેથી નીચે પટકાઇ પડતાં મૃત્યુ નિપજ્યું છે. જામજોધપુર તાલુકાના તરસાઇ ગામમાં વાડી વિસ્તારમાં થ્રેસર મશીનમાં આવી જતાં એક શ્રમિક યુવાનનો ભોગ લેવાયો છે. રાતાવીરડા ગામે પાણીના તલાવડામાં ડૂબી જતાં 44 વર્ષીય યુવાનનું મોત થયું છે. વાંકાનેરના સરતાનપર રોડ પર કલરકામ કરતી વખતે પતરા ઉપરથી પડી જતાં 42 વર્ષીય યુવાનનું મોત થયું હતું.
દરેડ જીઆઇડીસી વિસ્તારમાં સવારે 11 વાગ્યાના અરસામાં એક કારખાનાની ઉપર બીજા મળે રૂમ બનાવવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન ત્યાં કડિયા કામ કરી રહેલો એક શ્રમિક લોખંડનો સળિયો ઉપર ખેંચવા જતાં ઉપરથી પસાર થઈ રહેલા વિજ તારને સળીયો અડી ગયો હતો, અને તેમાંથી વિજ આંચકો લાગવાથી શ્રમિક યુવાન બીજામાળેથી નીચે પટકાઈ પડયો હતો, અને કરૂણ મૃત્યુ નીપજયું છે. જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા ખેડૂત ભીખુભાઈ ભાણજીભાઈ ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા આશિક જમનભાઈ જગતિયા નામના 27 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાનનું અકસ્માતે થ્રેસર મશીનમાં આવી જવાના કારણે બનાવના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જેથી ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.
મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની અને હાલ વાંકાનેરના રાતાવીરડા ગામે આવેલ લોનીક સિરામિકમાં રહીને કામ કરતાં વિનુસંગ ભવાનસંગ ખાટ (ઉ.વ.૪૪) સિરામિક પાસે આવેલ પાણીના તલાવડામાં ડૂબી જતાં મોત થયું છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સરતાનપર રોડ પર મોટો સ્ટોન સિરામિકમાં કામ કરતા વિનોદકુમાર સુલતાનસિંહ પાલ (ઉ.વ. 42) કલર કામ કરતી વખતે પતરા ઉપરથી પડી જતા ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું.