![]()
ટેક્ષ ભરતા લોકો પાયાની સુવિધા માટે બિચારા છે ત્યારે મનપાના શાસકોએ સરકારી તાયફાઓ પાછળ 1વર્ષમાં અંદાજીત 80થી 90 લાખનું આંધણ કરી નાખ્યું
જૂનાગઢ, : જૂનાગઢ મનપાના શાસકો પ્રજાના ટેક્ષના પૈસે કેવા તાયફાઓ કરે છે તેનો ઘટસ્ફોટ થયો છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં ગયા ત્યારે અમરેલીના દુધાળા નજીક જમવાનો 1 લાખ રૂપીયા ખર્ચ ઉધારવામાં આવ્યો છે. બીજીવાર વડાપ્રધાનના કાર્યક્રમમાં ગાંધીનગર ગયા ત્યારે 1.25 લાખનું આંધણ કરવામાં આવ્યું છે. કર્મચારીઓને નિમણુંકપત્ર આપવાની ઉજવણીના કાર્યક્રમમાં દોઢ લાખ ખર્ચ કરવામાં આવ્યો છે. અલગ-અલગ કાર્યક્રમો થકી 80થી 90 લાખનું આંધણ કરવામાં આવ્યું છે.
શહેરીજનો રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી પાયાની સુવિધાઓ માટે ટેક્ષ ભરે છે. આ ટેક્ષનું લોકોને વળતર મળતું નથી. લોકો પ્રાથમિક સુવિધા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવા સમયે મનપાના શાસકો પ્રજાના ટેક્ષના પૈસે એવા જલસા અને તાયફા કરે છે તેનો આંકડો સામે આવ્યો છે. તા.28-10-2024 ના વડાપ્રધાનના કાર્યક્રમમાં આવતા અને જતા અમરેલીના દુધાળા ખાતે જમવા માટેનો 1 લાખ રૂપીયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તા. 27-5-2025 ના અર્બન વિકાસ વર્ષની ઉજવણીમાં ગાંધીનગર ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ માટે 1.25 લાખ ખર્ચ ઉધારવામાં આવ્યો છે. તેવી જ રીતે શહેરી વિકાસ વર્ષની ઉજવણીના કાર્યક્રમ દરમ્યાન કર્મચારીઓને નિમણુંકપત્ર આપવા માટેના કાર્યક્રમમાં મંડપ સર્વિસ અને જમણવાર પાછળ દોઢ લાખનું આંધણ કરી નાખવામાં આવ્યું છે.
ગાંધી જ્યંતિ, પરિક્રમા, 9મી નવેમ્બર, શિવરાત્રીના મેળામાં, આંબેડકર જ્યંતિમાં, 15મી ઓગસ્ટ ઉજવણીમાં, ગણપતિ વિસર્જન કુંડ કાર્યક્રમ, બહાઉદ્દીન કોલેજ ખાતે સ્વચ્છોત્સવ સહિતના કાર્યક્રમો પાછળ 68.89 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે દીવાલોમાં અલગ-અલગ પેઈન્ટીંગ, સ્વચ્છતાનો પ્રોજેક્ટ બનાવવા, જેકેટ ખરીદવા, સિટી બ્યુટીફિકેશન, બેનર, હોર્ડીંગ્સ, સ્ટીકર, છાપકામ, સ્વચ્છતાની જન જાગૃતિ જીંગલ બનાવવા સહિતના કાર્યક્રમો માટે લાખો રૂપીયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આગામી સામાન્ય સભામાં વિપક્ષના નેતા દ્વારા છેલ્લા 1 વર્ષમાં સરકારી કાર્યક્રમ પાછળ કેટલો ખર્ચ થયો તેની વિગતો માંગવામાં આવી હતી. જનરલ બોર્ડની પ્રશ્નોતરીના જવાબમાં પ્રજાના પૈસાનું કેવું આંધણ થાય છે તેના ખર્ચનો આંકડો જાહેર થતા મનપાના શાસકો પર લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે.










