![]()
જૂનાગઢના ગાંધીગ્રામમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલીશન તમામ કાયદાકિય પ્રક્રિયા બાદ અસામાજીક તત્વોને નોટિસ આપી છતાં ખાલી ન કરતા 7 JCB, બ્રેકર સાથે તંત્રની કાર્યવાહી
જૂનાગઢ, : જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં બુટલેગર સહિતના અસામાજિક તત્વોએ સરકારી જમીન પર દબાણ કરી બંગલા તથા મકાન બનાવી લીધા હતા. તંત્રએ તેઓને નોટિસ આપી દબાણ દુર કરવા તાકિદ કરી હતી તેમ છતાં જગ્યા ખાલી કરી ન હતી. આજે તંત્રએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ દુર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. 4 બુટલેગરોના 7 મકાન તોડી ૩ કરોડની કિંમતની ર૪૦૦ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવી હતી. તંત્રની આ કાર્યવાહીથી બુટલેગરો તેમજ અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
જૂનાગઢના લીરબાઈપરા વિસ્તારમાં રહેતા કુખ્યાત આરોપી કારા દેવરાજ રાડા સામે 108, સિંધી સોસાયટીમાં રહેતા ચના રાણા મોરી સામે 5, સંજયનગરના અજય રૂડા કોડીયાતર સામે 10 અને આલા સીદી રાડા સામે 17 ગુના નોંધાયેલા હતા. આ અસામાજિક તત્વો અને બુટલેગરોએ ગાંધીગ્રામ વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ કરી ત્યાં બંગલા તથા મકાન બનાવી લીધા હતા. પોલીસની 100 કલાકની કાર્યવાહી અંતર્ગત સી ડીવીઝન પોલીસ દ્વારા આ અંગે તંત્રને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને વહિવટી તંત્રએ લેન્ડ રેવન્યુ એક્ટ મુજબ કાર્યવાહી પૂર્ણ કરી હતી અને સરકારી દબાણ કરનારા અસામાજિક તત્વો અને બુટલેગરોને નોટિસ આપી સરકારી જમીન ખાલી કરવા તાકિદ કરી હતી તેમ છતાં સરકારી જમીન પર ખડકી દીધેલું બાંધકામ ન હટાવી જગ્યા ખાલી કરી ન હતી.
કલેક્ટર, એસપી, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિતની ટીમે આજે ચુસ્ત બંદોબસ્ત સાથે આ ચારેય બુટલેગરો અને અસામાજિક તત્વોએ સરકારી જમીન પર કરેલું દબાણ દુર કરવા કાર્યવાહી શરૂ કરી હતી. તંત્રની 4 ટીમ 7 JCB અને બ્રેકર સહિતની મશીનરી સાથે દબાણ દુર કરવા પહોંચી હતી. જેમાં લીરબાઈપરામાં કારા દેવરાજ રાડાએ 4 સ્થળે કરેલું દબાણ દુર કરી 1.31 કરોડની કિંમતની 925 ચોરસ મીટર, સિંધી સોસાયટીમાં ચના રાણા મોરીએ કરેલું દબાણ દુર કરી 24.85 લાખની 175 ચોરસ મીટર, સંજયનગરના અજય રૂડા કોડીયાતરે કરેલું દબાણ દુર કરી 1.22 કરોડની કિંમતની 860 ચોરસ મીટર અને આલા સીદી રાડાએ કરેલું દબાણ દુર કરી 53.25 લાખની કિંમતની 375 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવાથી દબાણ કરનારાઓ આ સ્થળેથી જતા રહ્યા હતા. બાદમાં તંત્રએ જેસીબી અને અન્ય મશીનરી વડે બંગલાઓ તથા મકાનને તોડી પાડયા હતા. કુલ 3 કરોડની કિંમતની 2400 ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી છે. તંત્રની ચુસ્ત બંદોબસ્ત સાથેની દબાણ હટાવ ઝુંબેશથી સરકારી જમીન પર દબાણ કરી મકાન બાંધી લેનારા બુટલેગરો તેમજ અસામાજિક તત્વોમાં દોડધામ થઈ ગઈ હતી. અગાઉ કારા દેવરાજ રાડાએ કરેલું એક મકાન તેમજ ફાર્મહાઉસ ખાલી કરાવી સરકારી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. હજુ તંત્ર દ્વારા સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે ડિમોલીશનનો દંડો પછાડવામાં આવે એવી શક્યતા છે.










