![]()
શહેરના છાણી વિસ્તારમાં આવેલી એકતાનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું પાણી દૂષિત મળી રહ્યું હોવાની ફરિયાદો વચ્ચે વિસ્તારમાં રોગચાળાએ માથું ઉચકતા તંત્રમાં દોડધામ મચી હતી.
શહેરના વોર્ડ નં. 2માં આવતી છાણી જકાતનાકા પાસે આવેલી એકતાનગર (સનતનગર) સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. જેના કારણે 500 જેટલા પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, પાણી અપૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે અને દુર્ગંધયુક્ત હોવાથી લોકોને આરોગ્ય સંબંધિત તકલીફો થવા લાગી છે. અગાઉ પણ રહીશો છાણી જકાતનાકા પાણીની ટાંકી પાસે વિરોધ દર્શાવી ચૂક્યા છે, ત્યારબાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ બહાર માટલા ફોડી વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ દૂષિત પાણીના કારણે સોસાયટીમાં રોગચાળાનો વાવર છે. વિસ્તારના લગભગ 21 બાળકો સહિત કુલ 35થી વધુ લોકો કમળો, ઝાડા-ઉલટી જેવી તકલીફોથી પીડાઈ રહ્યા છે. અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે, પીવાના પાણીમાં ડ્રેનેજનું મિશ્રણ થવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ મામલે કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું કે, જો તાત્કાલિક ધોરણે દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો મંગળવારે સ્થાનિક રહીશો સાથે મોરચો કાઢી ખંડેરાવ માર્કેટ ખાતેની મ્યુનિસિપલ કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને મ્યુ. કમિશનરને દૂષિત પાણી પીવડાવવાની ચીમકી આપી હતી.










