Jamnagar Robbery Case : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામમાં રહેતા એક વેપારી ગઈકાલે ધ્રોળથી પોતાની 70,000 ની રોકડ રકમ લઈને ઘેર પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન મોડી સાંજે ડબલ સવારી બાઈકમાં આવેલા ચાર લૂંટારુંઓ ધમકી આપી રૂપિયા 70,000 ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. જે બનાવ બાદ જોડીયા પોલીસ અને એલસીબીની ટીમેં ચોતરફ નાકાબંધી કરી લૂંટારુંઓને પકડવા માટેની દોડધામ શરૂ કરી છે.
બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના કેશીયા ગામમાં રહેતા અને ધ્રોલમાં ઇલેક્ટ્રોનિક માલ સામાનની દુકાન ધરાવતા મીતભાઈ કિરીટભાઈ ગોદવાણી નામના 20 વર્ષનો વેપારી યુવક કે જેઓ ગઈકાલે પોતાની દુકાનેથી 70,000 રૂપિયાની રોકડ રકમ સાથે રાખીને મોડી સાંજે પોતાના ઘેર પરત ફરી રહ્યો હતો.
જે દરમિયાન કેસિયા ગામના કાચા રસ્તે ડબલ સવારી બાઈકમાં ચાર લૂંટારું આવ્યા હતા અને તેઓના બાઈકને અટકાવી લઈ છરી બતાવી 70,000 ની રોકડ રકમ ભરેલો થેલો નજર ચૂકવી ઝડપી લીધો હતો, અને ચારેય લૂંટારુંઓ ભાગી છૂટ્યા હતા.
આખરે આ મામલો જોડિયા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને મીતભાઈ પટેલની ફરિયાદના આધારે 4 અજાણ્યા લૂંટારું શખ્સો સામે ગુનો નોંધ્યો હતો, અને જોડિયા પોલીસ અને એલસીબીની ટીમ વગેરે દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી હતી. પોલીસ લૂંટારુંઓને શોધી રહી હતી.
જે દરમિયાન થોડે દૂરથી વેપારી યુવાનનો થેલો કે જેમાં રોકડ રકમ ભરેલી હતી. તે બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, અને તેનું નિરીક્ષણ કરતા અંદરથી રૂપિયા 70 હજારની રોકડ રકમ ગાયબ થયેલી જોવા મળી હતી. જેથી પોલીસે લૂંટારુંઓને શોધવા માટેની કવાયત શરૂ કરી છે, અને જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા મારફતે આરોપીઓને શોધવા માટેની શરૂ કરી દીધી છે.