![]()
છાણીના એકતાનગરમાં પાણીજન્ય રોગોના કેસો સામે આવતા કોર્પોરેશનની મેડિકલ ટીમો દ્વારા ઘરે ઘરે જઈ સર્વે હાથ ધરાયો છે.
વોર્ડ નં.૨માં સમાવિષ્ટ છાણીના એકતાનગર ખાતે છેલ્લા કેટલાક દિવસોથી દુષિત પાણીના કારણે પરેશાન રહીશોએ તાજેતરમાં છાણી પાણીની ટાંકી તથા કોર્પોરેશનની કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત હતી. છેલ્લા બે ત્રણ દિવસથી આ વિસ્તારમાં પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો નોંધાયો છે. કમળો, ટાઈફોઈડ, કોલેરા, ઝાડા ઉલટીના કેસો સામે આવ્યા છે. અનેકની તબિયત બગડતા નજીકની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી પડી છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. શુક્રવારે ૩પ દર્દીઓ બીમારીમાં સંપડાયા હોવાની વિગતો બહાર આવ્યા બાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ૪ ટીમોએ આજે વિસ્તારમાં સર્વે કરતા વધુ ૩૧ દર્દીઓ મળી આવ્યા હતા. બીજીતરફ મ્યુનિ. કમિશ્નરે આજે વિસ્તારના કાઉન્સિલરોને સાથે રાખી છાણી પાણીની ટાંકીની વિઝિટ કરી પાણી વિતરણ વ્યવસ્થા અંગેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.










