![]()
– 12 દિવસથી શહેરના જુદા-જુદા વિસ્તારની વેપારી પેઢીઓમાં તપાસ ઝુંબેશ
– કાચો માલ-સામાન, મીઠાઈ, ફરસાણ અને માવાના નમૂના લઈ સરકારી પ્રયોગશાળામાં મોકલાયા, ખાણીપીણીના એકમો પર તપાસ શરૂ રખાશે
ભાવનગર : શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલી વેપારી પેઢીઓમાં મ્યુનિસિપાલિટીના ફૂડ વિભાગની ટીમે તપાસણી ઝુંબેશ હાથ ધરી લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ જણાતો ઘી અને તેલનો જથ્થો સીઝ કર્યો છે. આ ઉપરાંત કાચો માલ-સામાન, મીઠાઈ, ફરસાણ અને માવાના નમૂના લઈ સરકારી પ્રયોગશાળામાં મોકલાવામાં આવ્યા છે.
દિવાળીના તહેવારોને ધ્યાને લઈ ગત ૩જી ઓક્ટોબરથી શહેરના એમ.જી. રોડ, જમાદાર શેરી, ખારગેટ, સુભાષનગર રોડ, ચિત્રા, તળાજા રોડ અને અન્ય વિસ્તારમાં આવેલી મીઠાઈ-ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓની પેઢીમાં મનપાની ફૂડ શાખા, આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી પનીર, ઘી, ખાદ્યતેલ, કાચો માલ-સામાન વગેરેનો સંગ્રહ અને વેચાણ કરતા ૪૩ જેટલા આસામીઓ પાસેથી ૬૬ નમૂના લઈ તપાસ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે તપાસમાં ગત તા.૯-૧૦ના રોજ નાગરપોળના ડેલા પાસે આવેલ અરીહંત ઘી ભંડારમાંથી શંકાસ્પદ જણાતા લૂઝ ઘીનો નમૂનો લઈ લેબલ વગરના ૧૫ કિલોના ૧૪ ડબ્બા (અંદાજે કિ.રૂા.૧,૩૭,૨૦૦), તા.૧૪-૧૦ના રોજ અમીપરા સ્થિત એલિયા ઓઈલ ડેપોનાગોડાઉનમાંથી નમૂના લઈ ૫૦ પેક ડબ્બા (અંદાજે કિ.રૂા.૧,૦૮,૦૦૦) તેમજ સત્યનારાયણ રોડ પરની દેવ સેલ્સ એજન્સીમાંથી કૈલાશપતિ રિફાઈન્ડ કોટનસીડ ઓઈલના નમૂના લઈ ૭૫ પેક ડબ્બા (અંદાજે કિ.રૂા.૧,૬૨,૦૦૦) સીઝ કર્યા હતા. આ તમામ પેઢીઓ સામે નમૂના એનાલિસીસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
વધુમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મીઠાઈ, ફરસાણ, માવો વગેરે મળી ૧૩ નમૂના લઈ સરકારી પ્રયોગશાળામાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ખાણીપીણીના એકમો પર તપાસ શરૂ રખાશે તેમ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થે જણાવ્યું છે.










